ધોનીએ લીધો આ મહત્વનો નિર્ણય, પસંદગીકારોને આપી માહિતી

22 September, 2019 02:59 PM IST  |  મુંબઈ

ધોનીએ લીધો આ મહત્વનો નિર્ણય, પસંદગીકારોને આપી માહિતી

મહેન્દ્ર સિંહ ધોની (ફાઈલ ફોટો)

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની લાંબા સમયથી ક્રિકેટથી દૂર છે. આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ પૂરો થયા બાદ ધોની ક્રિકેટના મેદાન પર રમતા નથી દેખાયા. વર્લ્ડ કપ બાદ ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝની ટૂર પર ગઈ અને હવે દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે સિરીઝ ચાલી રહી છે. જેમાં પણ ધોની નથી રમ્યા. આ બધાની વચ્ચે મહેન્દ્રસિંહ ધોનીની રિટાયરમેન્ટ અંગે પણ ચર્ચા થતી રહી છે. ત્યારે ધોનીએ મહત્વનો નિર્ણય લીધો હોવાના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે મહેન્દ્રસિંહ ધોનીએ પોતાના આ નિર્ણય અંગે ટીમના પસંદગીકારોને પણ જાણ કરી દીધી છે.

મહેન્દ્રસિંહ ધોની અંગે હવે જે સમાચાર આવ્યા છે, તે ધોનીના ફેન્સને નિરાશ કરી શકે છે. કારણ કે ધોનીએ વધુ એક ટી20 સિરીઝ રમવાની ના પાડી દીધી છે. ધોનીએ પોતાના આ નિર્ણયની માહિતી ટીમ ઈન્ડિયાના પસંદગીકારોને પણ આપી દીધી છે. ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્રસિંહ ધોની બાંગ્લાદેશ સામે નવેમ્બરમાં રમાનારી ટી20 સિરીઝ નહીં રમે. આવું પહેલીવાર થયું છે, જ્યારે ધોનીએ સતત ત્રણ ટી20 સિરીઝ રમવાની ના પાડી દીધી છે.

ધોનીએ બ્લુ ટીશર્ટમાં છેલ્લી મેચ વર્લ્ડ કપની સેમીફાઈનલ રમી હતી, જેમાં તેમણે હાફ સેન્ચ્યુરી ફટકારી હતી. પરંતુ ટીમ ઈન્ડિયા આ રસાકસી ભરી મેચ હારી ગઈ હતી. જે બાદ ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસે ગઈ હતી. પરંતુ ધોની તેમાં નહોતા જોડાયા. વેસ્ટ ઈન્ડીઝથી પાછા ફર્યા બાદ ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા સામે ટી 20 સિરીઝ રમી રહી છે. પરંતુ ધોની તેમાં પણ નથી રમ્યા.

આ પણ વાંચોઃ ધોનીનો ઑટોગ્રાફ લેવા માટે તેની પાછળ દોડતો આ 'ગુજરાતી' હવે આખી ટીમને રાખશે ફિટ

ધોનીએ વિન્ડિઝ, સાઉથ આફ્રિકા અને બાંગ્લાદેશ એમ ત્રણ દેશોની ટી20 સિરીઝ ન રમવાનો નિર્ણય લીધો છે. 38 વર્ષના એમ. એસ. ધોની વર્લ્ડ કપ બાદ ભારતીય સૈન્યને સેવા આપવા માટે જમ્મુ કાશ્મીર ગયા હતા. જ્યાંથી તેઓ ઓગસ્ટમાં પાછા ફરી ચૂક્યા છે, પરંતુ ક્રિકેટ નથી રમી રહ્યા.

mahendra singh dhoni ms dhoni cricket news sports news