ભલે બંગલા દેશ સામે હારી તેમ છતાં ઑસ્ટ્રેલિયા ટી૨૦ વર્લ્ડ કપની મજબૂત ટીમ

16 September, 2021 07:07 PM IST  |  Mumbai | Agency

કાંગારૂ ઑલરાઉન્ડરના મતે આ વૈશ્વિક ટુર્નામેન્ટમાં કોઈ પણ ટીમ નબળી નથી, વળી અમારા મહત્ત્વના ખેલાડીઓ ટીમમાં પાછા ફર્યા છે : પહેલી મૅચ ૨૩ ઑક્ટોબરે

ભલ બંગલા દેશ સામે હારી તેમ છતાં ઑસ્ટ્રેલિયા ટી૨૦ વર્લ્ડ કપની મજબૂત ટીમ : ગ્લૅન મૅક્સવેલ

ઑસ્ટ્રેલિયાના ક્રિકેટર ગ્લેન મૅક્સવેલના મતે ભલે બંગલા દેશ સામેની આંતરરાષ્ટ્રીય ટી૨૦ સિરીઝમાં ટીમનું પ્રદર્શન અપેક્ષા મુજબનું નહોતું તેમ છતાં, આ વર્ષે ઑક્ટોબર-નવેમ્બરમાં યુએઈ અને ઓમાનમાં થનારા ટી૨૦ વર્લ્ડ કપમાં એક મજબૂત ટીમ છે. મૅક્સવેલે કહ્યું હતું કે ‘આ ટીમ જ્યારે ભેગી થશે ત્યારે એ એક સારી પૉઝિશનમાં આવશે. અમે બધા એની રાહ જોઈ રહ્યા છીએ.’ 
છેલ્લા આઠ મહિનાથી ટીમના મહત્ત્વના ખેલાડીઓ જેવા કે સ્ટીવ સ્મિથ, ડૅવિડ વૉર્નર અથવા પૅટ કમિન્સ ઑસ્ટ્રેલિયા તરફથી રમ્યા નથી. 
વળી છ મહિનાથી ગ્લેન મૅક્સવેલ, માર્કસ સ્ટોઇનીસ અથવા કૅન રિચર્ડસન ટીમમાં નથી. આ તમામ ટી૨૦ વર્લ્ડ કપમાં હશે. વળી બંગલા દેશ સામેની સિરીઝ ૪-૧થી હારનાર ઑસ્ટ્રેલિયાની ટીમનો કૅપ્ટન પણ ઈજામાંથી સાજો થઈ ગયો છે. ગઈ કાલે આઇસીસી-ક્રિકેટડોટકૉમ વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘અમારી ટીમના ખેલાડી તરફ નજર નાખીશું તો જણાશે કે ઘણા બધા મૅચ-વિનર છે તેમ જ એકલે હાથે હરીફ ટીમને હંફાવી શકે છે. જો તેમને તક મળી તો કોઈ પણ ટીમ એમને રોકી ન શકે.’ 
મૅક્સવેલે વધુમાં કહ્યું હતું કે ‘ટુર્નામેન્ટની શરૂઆત જ ટીમ સારી કરવા માગે છે. બૅટ્સમેનો સારા ફોર્મમાં આવે, બોલરો શરૂઆતમાં વિકેટ ઝડપે તો આવી ટુર્નામેન્ટમાં જીત મેળવી શકાય. વર્લ્ડ કપમાં ઑસ્ટ્રેલિયાનો સમાવેશ એક પડકારજનક ગ્રુપમાં છે, જેમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન વેસ્ટ ઇન્ડીઝ, વિશ્વની 
નંબર-વન ટીમ ઇંગ્લૅન્ડ અને સાઉથ આફ્રિકાનો સમાવેશ થાય છે. તેણે કહ્યું હતું કે આ વર્લ્ડ કપમાં કોઈ પણ નબળી ટીમ નથી. અમે પણ કોઈ પણ ટીમને હરાવવાની ક્ષમતા રાખીએ છીએ. વર્લ્ડ કપ હોવાથી દરેક મૅચ રસાકસી ભરેલી રહેશે.’ ઑસ્ટ્રેલિયા વર્લ્ડ કપમાં પોતાની પહેલી મૅચ ૨૩ ઑક્ટોબરે સાઉથ આફ્રિકા સામે રમશે. 

cricket news sports news sports australia