કોહલીની અનિચ્છા છતાં અશ્વિનની ટી૨૦ વર્લ્ડ કપની ટીમમાં પસંદગી?

16 September, 2021 07:01 PM IST  |  Mumbai | Agency

છેલ્લાં આઠ વર્ષથી ટીમ ​ઇન્ડિયા આઇસીસી ટ્રોફી જીતી ન શક્યાની વાતને સિલેક્શન કમિટી ઘણી ગંભીરતાથી લઈ રહી છે : વિરાટની કૅપ્ટન્સી માટે વર્લ્ડ કપ સૌથી મોટી પરીક્ષા સાબિત થશે

વિરાટ કોહલી

ટી૨૦ વર્લ્ડ કપની ટીમમાં રવિચન્દ્રન અશ્વિનની પસંદગી કઈ રીતે કરવામાં આવી એ હજી ભારતીય ક્રિકેટમાં એક રહસ્ય જ છે. સિલેક્શન કમિટીના ચૅરમૅન ચેતન શર્માના જણાવ્યા પ્રમાણે વૉશિંગ્ટન સુંદર ઈજાગ્રસ્ત થતાં અશ્વિનની પસંદગી કરવામાં આવી છે. દિગ્ગજ ભારતીય સ્પિનર ૨૦૧૭ બાદ મર્યાદિત ઓવરની ભારતીય ટીમમાં સ્થાન નહોતો મેળવી શક્યો, કારણ કે એની ફીલ્ડિંગ બરાબર નહોતી. 
તો અચાનક પરિસ્થિતિ કઈ રીતે બદલાઈ ગઈ? 
ટી૨૦ વર્લ્ડ કપની ટીમમાં અશ્વિનની પસંદગી ખુદ કૅપ્ટન વિરાટ કોહલી માટે પણ આશ્ચર્યજનક ઘટના હતી. મીડિયામાં ટીમની ઘોષણા બાદ કોહલીને અશ્વિનની ટીમમાં પસંદગી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. અશ્વિનની પસંદગી કરીને ભારતીય ક્રિકેટ બોર્ડે એક તીરથી બે નિશાન તાક્યાં હતાં. એક તો તેમણે કોહલીના નેતૃત્વવાળી ટીમમાં સતત સ્થાન પામનાર યુઝવેન્દ્ર ચહલને હટાવ્યો હતો તેમ જ ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝની એક પણ મૅચમાં અશ્વિનને તક ન આપવા બદલ પણ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. ભારતે આ સિરીઝમાં માત્ર રવીન્દ્ર જાડેજાને તક આપી હતી, જેણે કુલ ૧૬૦ રન કર્યા હતા અને ૬ વિકેટ ઝડપી હતી. 
ધોનીની ટીમના મેન્ટર તરીકે નિયુક્તિ કરવા પાછળ છેલ્લાં આઠ વર્ષના આઇસીસી ટ્રોફીના દુકાળનો અંત લાવવાનો સિલેક્શન કમિટીનો હેતુ છે. જો કોહલી પોતાની રીતે આમ કરવામાં સક્ષમ ન હોય તો ધોની એના અનુભવનો લાભ એને આપી શકે છે. ૨૦૧૭ની ચૅમ્પિયનશિપની ટ્રોફીની ફાઇનલમાં ભારતીય ટીમ પાકિસ્તાન સામે હારી ગઈ હતી. ૨૦૧૯ના વર્લ્ડ કપની સેમી ફા​ઇનલમાં પણ તે ન્યુ ઝીલૅન્ડ સામે પાણીમાં બેસી ગઈ હતી. આગામી ટી૨૦ વર્લ્ડ કપને કોહલીની લિમિટેડ ઓવરમાં કૅપ્ટન્સીની મોટી પરીક્ષા રૂપે પણ ગણવામાં આવી રહ્યો છે. 

sports news sports cricket news virat kohli