ઇંગ્લૅન્ડના 112 રનના જવાબમાં ભારતના ત્રણ વિકેટે 99 રન

25 February, 2021 10:44 AM IST  |  Ahmedabad

ઇંગ્લૅન્ડના 112 રનના જવાબમાં ભારતના ત્રણ વિકેટે 99 રન

ગર્વની ક્ષણ ઃ ૧૦૦મી ટેસ્ટના લૅન્ડમાર્ક નિમિત્તે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે ઇશાંત શર્માનું સન્માન કરવામાં આવ્યું હતું. ૧૦૦ ટેસ્ટ રમનાર ઇશાંત ભારતનો કપિલ દેવ બાદ બીજો પેસ બોલર બની ગયો હતો.

ગુજરાતમાં ગઈ કાલે શરૂ થયેલી ત્રીજી અને ડે-નાઇટ ટેસ્ટ ગુજરાત ટીમના કૅપ્ટન અક્ષર પટેલના નામે રહી હતી. અમદાવાદના મોટેરા વિસ્તારના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અક્ષર પટેલે ૩૮ રનમાં ૬ વિકેટ સાથે તરખાટ મચાવતાં ઇંગ્લૅન્ડ માત્ર ૧૧૨ રનમાં જ પૅવિલિયન ભેગું થઈ ગયું હતું. અક્ષરને રવીન્દ્રન અશ્વિનનો ૨૬ રનમાં ૩ વિકેટ સાથે યોગ્ય સાથ મળ્યો હતો. જવાબમાં ભારતે દિવસના અંતે ૩ વિકેટે ૯૯ રન બનાવ્યા હતા. ગુજરાતનો અક્ષર પટેલ હીરો બની ગયો જ્યારે અન્ય ગુજરાતી ખેલાડી ચેતેશ્વર પુજારા ઝીરોમાં આઉટ થઈ ગયો હતો. શુભમન ગિલ ૧૧ અને કૅપ્ટન વિરાટ કોહલી ૨૭ રન સાથે વધુ પ્રતિકાર નહોતા કરી શક્યા. ઓપનર રોહિત શર્માએ ૮૨ બૉલમાં ૯ ફોર સાથે અણનમ ૫૭ રન સાથે એક છેડો સાચવી રાખ્યો હતો. વાઇસ કૅપ્ટન અજિંક્ય રહાણે એક રન બનાવી અણનમ રહ્યો હતો. ભારતની ત્રણમાંથી બે વિકેટ સ્પિનર જૅક લિચે લેતાં ઇંગ્લૅન્ડને એક જ સ્પિનર સાથે મેદાનમાં ઊતરવાનો ભારેભાર પસ્તાવો થતો હશે. ઇંગ્લૅન્ડની ૧૦માંથી ૯ વિકેટ પણ ભારતીય સ્પિનરોએ લીધી હતી. એકમાત્ર ઈશાંત શર્મા પ્રથમ વિકેટ લઈ શક્યો હતો.

axar patel cricket news sports news india england motera stadium ahmedabad