ઈજાગ્રસ્ત વૉર્નર પહેલી ટેસ્ટ પણ ગુમાવશે: કોચ લૅન્ગર

02 December, 2020 01:41 PM IST  |  Canberra | Gujarati Mid-day Correspondent

ઈજાગ્રસ્ત વૉર્નર પહેલી ટેસ્ટ પણ ગુમાવશે: કોચ લૅન્ગર

ઈજાગ્રસ્ત ડેવિડ વૉર્નર

ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના હેડ કોચ જસ્ટિન લૅન્ગરે ઈજાગ્રસ્ત ડેવિડ વૉર્નર વિશે તાજેતરમાં ભવિષ્યવાણી ભાખતાં કહ્યું કે ‘સંભવતઃ વૉર્નર પહેલી ટેસ્ટ મૅચમાં નહીં રમી શકે. ભારત સામેની બીજી વન-ડે દરમ્યાન ફીલ્ડિંગ વખતે વૉર્નર ઈજા પામ્યો હતો અને ત્યાર બાદ તેને હૉસ્પિટલમાં સ્કૅનિંગ માટે લઈ જવામાં આવ્યો હતો. અસહ્ય દુખાવા અને ઈજાને કારણે વૉર્નર શેષ રહેલી વાઇટ બૉલ ગેમમાંથી બહાર થયો છે અને હવે તે પહેલી ટેસ્ટ મૅચ રમશે કે નહીં એ પણ ચર્ચાનો વિષય છે.

આ વિશષ પોતાનો મત આપતાં ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના હેડ કોચ જસ્ટિન લૅન્ગરે કહ્યું કે ‘તેણે કહ્યું છે કે આ દુખાવો ખરેખર ઘણો અસહ્ય છે. એવું લાગે છે જાણે કોઈએ મને ગોળી મારી દીધી હોય. ચેન્જિંગ રૂમમાં તે ઘણો પીડાતો હતો. અમે કેનબેરા પહોંચ્યા છીએ અને હવે લગભગ પાંચ-છ દિવસ સુધી તેને મળી નહીં શકીએ. અમે હવે જ્યારે સિડની જઈશું ત્યારે જ તેને મળી શકીશું. તે પહેલી ટેસ્ટ મૅચ રમી શકશે કે નહીં એ વિશે મારો શ્વાસ જરાય અધ્ધર નથી, કારણ કે હું જાણું છું કે તે એવો પ્રોફેશનલ પ્લેયર છે જે પોતાનો લય પાછો મેળવવા માટે શક્ય એટલા પૂરતા પ્રયાસ કરશે. તે હવે પાછો ક્યારે રમે છે એ જોવાનું છે, પણ એ વાત તો નક્કી છે કે તે પહેલી ટેસ્ટ મૅચ ગુમાવશે.’

પહેલી ટેસ્ટ મૅચમાં જો ડેવિડ વૉર્નર નહીં રમે તો જો બર્ન્સ અને વિલ પુચોસ્કી યજમાન ટીમ માટે ઓપનિંગ કરી શકે છે.

sports sports news cricket news india australia david warner test cricket