ક્રિકેટ બોર્ડ મારી પાસે આવીને ચર્ચા કરે અને મારા પરનો બૅન ઉઠાવે :વૉર્નર

22 August, 2022 12:26 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ઑસ્ટ્રેલિયન ઓપનર કૅપ્ટન્સી પરનો આજીવન પ્રતિબંધ પાછો ખેંચવા ચર્ચા માટે તૈયાર : બિગ બૅશમાં સાઇન કર્યો બે વર્ષનો કરાર

ડેવિડ વૉર્નરે પત્ની કૅન્ડિસ અને ત્રણ પુત્રી સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે. વૉર્નર દંપતીને ભારત ખૂબ પસંદ છે.

૨૦૧૮માં સાઉથ આફ્રિકામાં બૉલ સાથે ચેડાં કરાવવામાં મોટી ભૂમિકા ભજવનાર ઑસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વૉર્નરે કૅપ્ટન બનવા પરનો પોતાના પરનો આજીવન પ્રતિબંધ પાછો ખેંચાવવા ક્રિકેટ બોર્ડને ઘણી વાર આડકતરી રીતે અપીલ કરી છે અને હવે તો તેણે ત્યાં સુધી કહ્યું છે કે ‘ક્રિકેટ બોર્ડ જો મારો સંપર્ક કરીને મારા પરનો આ બૅન પાછો ખેંચવા ચર્ચા કરે તો હું મુક્ત મનથી થનારી એ ચર્ચા માટે તૈયાર છું.’

ચાર વર્ષ પહેલાંના બૉલ-ટૅમ્પરિંગ કાંડમાં વૉર્નર, સ્ટીવ સ્મિથ અને બૅન્ક્રૉફ્ટના રમવા પર પ્રતિબંધ મુકાયો હતો. ત્રણેય પરના રમવા પરના બૅન હટી ગયા છે, પરંતુ વૉર્નરને હજી પણ ઑસ્ટ્રેલિયાની કોઈ પણ ટીમનો કૅપ્ટન બનવાની મનાઈ છે.

ડેવિડ વૉર્નરનું ૯ વર્ષે બિગ બૅશમાં કમબૅક

ડેવિડ વૉર્નર પોતાના દેશની ટી૨૦ સ્પર્ધા બિગ બૅશ લીગ (બીબીએલ)માં છેલ્લે ૨૦૧૩માં રમ્યો હતો, પણ હવે તેણે એમાં ફરી રમવા માટેનો કરાર સિડની થન્ડર ટીમ સાથે કર્યો છે. તેણે આ ફ્રૅન્ચાઇઝી સાથે બે વર્ષનો કરાર કર્યો છે. આ ટીમનો કૅપ્ટન ઉસ્માન ખ્વાજા બ્રિસ્બેન હીટ ટીમમાં જોડાઈ ગયો હોવાથી આ ટીમમાં કૅપ્ટન્સીની જગ્યા ખાલી પડી છે. તેને બિગ બૅશમાં કૅપ્ટન બનવાની તક મળી રહી છે એ જોતાં ઑસ્ટ્રેલિયન ક્રિકેટમાં ઘણા નિષ્ણાતો અને ભૂતપૂર્વ ખેલાડીઓ ઇચ્છે છે કે ક્રિકેટ બોર્ડે કમસે કમ બિગ બૅશની બાબતમાં વૉર્નર પરનો કૅપ્ટન્સીનો પ્રતિબંધ ઉઠાવી લેવો જોઈએ.

sports news sports cricket news david warner australia