IPL 2026માં ચેન્નઈ સુપર કિંગ્સમાં થઈ શકે છે કોચિંગ-સ્ટાફમાં સુરેશ રૈનાની એન્ટ્રી

28 May, 2025 06:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચેન્નઈએ ટેબલ-ટૉપર ગુજરાત ટાઇટન્સને તેમની ૮૩ રનની સૌથી મોટી હાર આપી ત્યારે કૉમેન્ટરી બૉક્સથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા હતા.

મહેન્દ્ર સિંહ ધોની, સુરેશ રૈના

ચેન્નઈ સુપર કિંગ્સ IPL 2025માં ટ્રોફી જીતવાની રેસમાંથી સૌથી પહેલાં બહાર થઈ ગઈ હતી. કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ઉલ્લેખ કર્યો હતો કે તેઓ બાકીની મૅચમાં આગામી સીઝનની બેસ્ટ પ્લેઇંગ ઇલેવન શોધવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. રવિવારે ચેન્નઈએ ટેબલ-ટૉપર ગુજરાત ટાઇટન્સને તેમની ૮૩ રનની સૌથી મોટી હાર આપી ત્યારે કૉમેન્ટરી બૉક્સથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા હતા.

રવિવારે બપોરે આ મૅચની સમાપ્તિ સમયે કૉમેન્ટરી બૉક્સમાં હાજર આકાશ ચોપડા, સંજય બાંગર અને સુરેશ રૈનાની વાતચીત હાલમાં ભારે ચર્ચામાં છે. આકાશે એ સમયે રૈનાને પૂછ્યું હતું કે ચેન્નઈના સંભવિત નવા બૅટિંગ-કોચનું નામ S અક્ષરથી શરૂ થાય છે? રૈનાએ રમૂજી અંદાજમાં કહ્યું હતું કે તેણે (નવા બૅટિંગ-કોચે) સૌથી ફાસ્ટેસ્ટ ફિફ્ટી ફટકારી છે. રૈનાએ ૨૦૧૪માં પંજાબ કિંગ્સ સામે ૧૬ બૉલમાં ફિફ્ટી ફટકારી હતી જે ચેન્નઈના પ્લેયર્સ દ્વારા ફાસ્ટેસ્ટ ફિફ્ટી હતી.

સુરેશ રૈના ૨૦૦૮થી ૨૦૨૧માં નિવૃત્તિ લેવાની વચ્ચે ઑલમોસ્ટ ૧૨ વર્ષ સુધી ચેન્નઈ માટે રમ્યો અને ટીમના ઇતિહાસમાં એક ખૂબ જ સફળ યુગ સાથે સંકળાયેલો છે. તે ૫૫૨૯ રન સાથે ચેન્નઈનો આ ટુર્નામેન્ટનો હાઇએસ્ટ રન-સ્કોરર પણ છે. આ ચર્ચાને કારણે ચેન્નઈના વર્તમાન બૅટિંગ-કોચ માઇકલ હસીને આગામી સીઝનમાં આ પદ પરથી હટાવવામાં આવશે એવી અટકળો શરૂ થઈ ગઈ છે. તે વર્ષ ૨૦૧૮થી આ પદ પર કામ રહી રહ્યો છે.

indian premier league IPL 2025 chennai super kings mahendra singh dhoni suresh raina cricket news sports news sports