ભારતને પણ આજે બાર્બેડોઝ સામે જીતીને સેમીમાં જવાનો મોકો

03 August, 2022 12:26 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સ્મૃતિ મંધાનાએ રવિવારે અણનમ ૬૩ રન બનાવીને ભારતને પાકિસ્તાન સામે આસાન વિજય અપાવ્યો હતો

કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતીય મહિલાઓની ટીમ

કૉમનવેલ્થ ગેમ્સમાં પહેલી વાર રમાતી મહિલાઓની ટી૨૦માં ઑસ્ટ્રેલિયા રવિવારે બર્મિંગહૅમમાં બાર્બેડોઝને ૭૧ બૉલ બાકી રાખીને ૯ વિકેટના તોતિંગ માર્જિનથી હરાવીને સેમી ફાઇનલમાં પહોંચેલી પ્રથમ ટીમ બની હતી. હવે આજે (ભારતીય સમય મુજબ રાત્રે ૧૦.૩૦ વાગ્યાથી લાઇવ) બાર્બેડોઝને પરાજિત કરીને સેમીમાં જવાનો હરમનપ્રીત કૌરની ભારતીય ટીમને બહુ સારો મોકો છે.

હેલી મૅથ્યુઝ વેસ્ટ ઇન્ડીઝની કૅપ્ટન છે અને તાજેતરમાં ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરનાર ટી૨૦ની ફાસ્ટેસ્ટ સેન્ચુરિયન ડીએન્ડ્રા ડૉટિન પણ આ ટીમમાં છે. ભારતીય ટીમ ઑસ્ટ્રેલિયા સામે હારી ગઈ હતી, પરંતુ પાકિસ્તાન સામે જીતી જતાં ભારતને આજે નબળી ટીમ સામે જીતીને સેમીમાં જવાની સોનેરી તક છે.

સ્મૃતિ મંધાનાએ રવિવારે અણનમ ૬૩ રન બનાવીને ભારતને પાકિસ્તાન સામે આસાન વિજય અપાવ્યો હતો. જોકે બે-બે વિકેટ લેનાર સ્નેહ રાણા અને રાધા યાદવની તેમ જ એક-એક શિકાર કરનાર શેફાલી વર્મા, રેણુકા સિંહ અને મેઘના સિંહની બોલિંગની પણ ઘણી કમાલ હતી, કારણ કે એને કારણે જ પાકિસ્તાનની ટીમ માત્ર ૯૯ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. આજે બાર્બેડોઝ સામે ઑલરાઉન્ડર દીપ્તિ શર્માનો તરખાટ જોવા મળે તો નવાઈ નહીં.

sports sports news cricket news indian womens cricket team t20