ગૅબામાં પુજારા ઑસ્ટ્રેલિયનની જેમ રમ્યો હતો : માર્ક્સ હૅરિસ

23 May, 2021 02:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

છેલ્લી અને નિર્ણાયક ટેસ્ટમાં ઘાયલ હોવા છતાં નીડર બનીને ઊભો રહી સૌરાષ્ટ્રના બૅટ્સમૅને ભારતની ઐતિહાસિક જીતનો પાયો નાખ્યો હતો

ચેતેશ્વર પુજારા

ચાર મહિના થવા આવ્યા હોવા છતાં ઑસ્ટ્રેલિયનો ભારત સામેની હારને હજી ભૂલ્યા નથી. ફિટ પ્લેઇંગ ઇલેવનનાં ફાફાં હતાં એ ટીમને ઑસ્ટ્રેલિયા હરાવી ન શક્યું એનું દુખ તેઓ હજી ભૂલ્યા નથી. એ છેલ્લી મૅચના બધા જ ખેલાડીઓમાં બે હીરો હતા, પણ મુખ્ય હોરોમાં રિષભ પંત અને ચેતેશ્વર પુજારા હતા. શરૂઆતમાં ઑસ્ટ્રેલિયનોને થકવી નાખવાનું કામ પુજારાએ કર્યું હતું અને છેલ્લે ફટકારવાનું કામ પંતે કર્યું હતું. 

અનેક વાર શરીર પર બૉલ વાગ્યો હોવા છતાં ઑસ્ટ્રેલિયન બોલરોનો ડર્યા વગર સામનો કરીને રમાયેલી એ ઇનિંગ્સ એ મૅચમાં સામેલ માર્ક્સ હૅરિસ હજી ભૂલ્યો નથી. ફાઇનલ ટેસ્ટના ફાઇનલ દિવસને યાદ કરતાં તે કહે છે, ‘એ છેલ્લો દિવસ તો જોવાલાયક હતો. અમે આખો દિવસ વિચારતા હતા કે તેઓ ટાર્ગેટ ચેઝ કરવાની કોશિશ કરશે કે નહીં. મને લાગે છે કે રિષભ પંત એ દિવસે બેસ્ટ ઇનિંગ્સ રમ્યો હતો, પણ પુજારાએ દરેક મુસીબતનો હિંમતપૂર્વક સામનો કર્યો હતો. મને એવું લાગે છે કે તેણે એક ઑસ્ટ્રેલિયનની જેમ બૅટિંગ કરી હતી. છાતી પર બધું ઝીલીને તે આગળ વધતો ગયો અને બાકીના બધાએ તેને યોગ્ય સાથ આપ્યો.’

જાફરનો મજેદાર જવાબ
માર્કસ હૅરિસના આ સ્ટેટમેન્ટ જેટલો જ ભૂતપૂર્વ ઓપનર વસીમ જાફરે તેને આપેલો જવાબ સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો. જાફરે તેના સ્ટેટમેન્ટ સામે જવાબ આપ્યો હતો કે ‘મને નવાઈ લાગે છે કે ઑસ્ટ્રેલિયનો કેમ ઑસ્ટ્રેલિયનની જેમ નહોતા રમ્યા.’

cricket news sports news sports cheteshwar pujara australia