જાડેજાએ કલકત્તાને નમાવ્યું

27 September, 2021 06:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રોમાંચક મૅચમાં છેલ્લા બૉલમાં વિજય મેળવીને ચેન્નઈ પહોંચ્યું ટૉપ પર : પ્રસિદ્ધ ​ક્રિષ્ણાએ ઇનિંગ્સની ૧૯મી ઓવરમાં ૨૨ રન આપી દેતાં કૅપ્ટન ધોનીની ટીમ બે વિકેટે મૅચ જીતી

જાડેજાએ કલકત્તાને નમાવ્યું

ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ રોમાંચક મૅચમાં છેલ્લે કરેલી આક્રમક બૅટિંગને કારણે ચેન્નઈએ કલકત્તાને બે વિકેટથી હરાવ્યું હતું. જાડેજાએ (૮ બૉલમાં ૨૨ રન) ફાસ્ટ બોલર પ્રસિદ્ધ ક્રિષ્ણાની ૧૯મી ઓવરમાં બે સિક્સર અને બે ચોગ્ગા ફટકાર્યા હતા, જેને કારણે ચેન્નઈ ૨૦ ઓવરમાં ૧૭૨ રન કરી શક્યું હતું. પ્રસિદ્ધ ક્રિષ્ણાએ યૉર્કર ન નાખીને લેંગ્થ બૉલ નાખતાં ચેન્નઈને ૨૦મી ઓ‍વરમાં જીતવા માટે માત્ર ચાર રન જોઈતા હતા. 
મૉર્ગનની કૅપ્ટન્સી પર સવાલ
સુનીલ નારાયણે છેલ્લી ઓવરમાં સૅમ કરૅન અને જાડેજાને આઉટ કરીને મૅચને રોમાંચક બનાવી હતી, પરંતુ દીપક ચાહરે છેલ્લા બૉલમાં એક રન લઈને ટીમને જિતાડી હતી. કલકત્તાના કૅપ્ટન ઇયોન મૉર્ગને ૧૯મી ઓવરમાં ક્રિષ્ણાને ઓવર આપવાની ભૂલ કરી હતી. મૉર્ગને બચાવમાં કહ્યું હતું કે રસેલ ઈજાગ્રસ્ત થતાં મારી પાસે કોઈ વિકલ્પ નહોતો, પણ ૧૯મી ઓ‍વર નારાયણને આપત તો જાડેજા માટે મૅચને ચેન્નઈની તરફેણમાં કરવાનું પડકારજનક બન્યું હોત. 
ચેન્નઈ યુએઈમાં અજય
યુએઈમાં બીજા તબક્કામાં ચેન્નઈની ટીમ હજી સુધી એક પણ મૅચ હારી નથી તેમ જ ૧૬ પૉઇન્ટ સાથે ફરી ટોચ પર છે. વિજય માટે ૧૭૨ રનના લક્ષ્યાંકને પીછો કરતાં ટીમે ૧૪૨ રનમાં ૬ વિકેટ ગુમાવી હતી, પરંતુ જાડેજાએ બાજી પલટી નાખી હતી. બીજી તરફ કલકત્તાએ રાહુલ ​ત્રિપાઠીએ કરેલી શાનદાર (૪૫) શરૂઆત બાદ દિનેશ કાર્તિક (૨૬) અને નીતીશ રાણા (૩૭)ની ઇનિંગ્સને કારણે પડકારજનક ૬ વિકેટે ૧૭૧ રન કર્યા હતા. 
ઓપનરોએ કરાવી સારી શરૂઆત
ચેન્નઈ તરફથી ઋતુરાજ ગાયકવાડ (૪૦ રન) અને ફૅફ ડુ પ્લેસીએ (૪૩) આક્રમક ૭૪ રનની પાર્ટનરશિપ કરી હતી, પરંતુ બન્ને ઓપનરો તરત આઉટ થઈ ગયા બાદ મિડલ ઑર્ડર નિષ્ફળ રહ્યું હતું. વરુણ ચક્રવર્તીએ મહેન્દ્ર સિંહ ધોનીને આઉટ કરીને ટીમને મૅચમાં વાપસી કરાવી હતી. 

sports news sports cricket news ravindra jadeja kolkata