ટીવી-અમ્પાયરની એન્ટ્રી બાદ વધી ગયા નો-બૉલ

12 February, 2021 12:23 PM IST  |  Chennai

ટીવી-અમ્પાયરની એન્ટ્રી બાદ વધી ગયા નો-બૉલ

નો બોલ

આજકાલ બોલરો વધુ નો-બૉલ ફેંકી રહ્યા છે અથવા તો વધુ નજરમાં આવી રહ્યા છે. એનું કારણ ટીવી-અમ્પાયરની એન્ટ્રીને માનવામાં આવી રહ્યું છે. પહેલાં નો-બૉલનો નિર્ણય ફક્ત મેદાનમાં મોજૂદ અમ્પાયર્સ જ લેતા હતા, પણ ગયા વર્ષથી અમ્પાયર્સના સ્તરમાં સુધારો કરવા નિયમોમાં બદલાવ કરીને ટીવી-અમ્પાયરને પણ એને માટે નજર રાખવાનું કહેવામાં આવ્યું છે. ઇંગ્લૅન્ડ સામેની પહેલી ટેસ્ટમાં પણ ભારતીય બોલરોના ૨૭ નો-બૉલની લહાણીને લીધે ભારે ટીકા થઈ હતી. ભારતીય બોલરોએ પહેલી ઇનિંગ્સમાં કુલ ૨૦ નો-બૉલ નાખ્યા હતા, જે કોરોના-બ્રેક બાદ કોઈ ટીમે એક ઇનિંગ્સમાં નાખેલા સૌથી વધુ નો-બૉલ હતા.

ટીવી-અમ્પાયરની એન્ટ્રી બાદ એટલે કે ઑગસ્ટ ૨૦૨૦ના આંકડા પર નજર નાખીશું તો જણાશે કે ૯ ટીમે ૨૦ મૅચમાં કુલ ૩૬,૪૫૪ બૉલ ફેંક્યા છે. એ દરમ્યાન બોલરોએ ૧૪૦ની ઍવરેજથી ૨૬૧ નો-બૉલ નાખ્યા છે. એટલે કે દરેક ૧૪૦મો બોલ નો-બૉલ ફેંક્યો છે. જો ઑગસ્ટ ૨૦૨૦ પહેલાંની ૨૧ ટેસ્ટના આંકડાઓની સરખામણી કરીશું તો જણાશે કે ૩૭૭ની ઍવરેજથી ૧૦૫ જ નો-બૉલ ફેંક્યા છે.

પહેલી વાર અશ્વિને ફેંક્યો નો-બૉલ

રવિચન્દ્ર અશ્વિને પણ ટેસ્ટ કરીઅરમાં પહેલી વાર નો-બૉલ આ ચેન્નઈ ટેસ્ટમાં કર્યો હતો. આ ટેસ્ટ પહેલાં તે ૨૦,૬૦૦ કરતાં વધુ બૉલ ફેંકી ચૂક્યો હોવા છતાં ક્યારેય તેણે લાઇન ક્રૉસ નહોતી કરી.

અશ્વિને ચેન્નઈમાં ૧૩૭મી ઓવરમાં પહેલી વાર નો-બૉલ ફેંક્યો હતો અને ચાલીસેક ઓવર બાદ વધુ એક નો-બૉલ નાખ્યો હતો.

નો-બૉલના મામલે ભારત ત્રીજા નંબરે

ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ઓવરઑલ સૌથી વધુ નો-બૉલ ઇંગ્લૅન્ડના નામે છે. એણે ૧૦૩૧ મૅચમાં ૮૨૬૨ નો-બૉલ ફેંક્યા છે, જ્યારે બીજા નંબરે ૮૩૪ મૅચમાં ૬૭૨૬ નો-બૉલ સાથે ઑસ્ટ્રેલિયા છે. ભારત ત્રીજા નંબરે છે અને એણે ૫૪૭ ટેસ્ટમાં ૫૨૭૨ નો-બૉલ ફેંક્યા છે.

પ્રતિ મૅચ નો-બૉલ ફેંકવાની ઍવરેજના મામલે ભારત ઝિમ્બાબ્વે બાદ બીજા નંબરે છે. ઝિમ્બાબ્વે ટીમે ૧૧૦ ટેસ્ટમાં ૯.૮૬ની ઍવરેજથી ૧૦૮૫ નો-બૉલ ફેંક્યા છે, જ્યારે ટીમ ઇન્ડિયાએ ૫૭૪ મૅચમાં ૯.૬૪ની ઍવરેજથી ૫૨૭૨ નો-બૉલ ફેંક્યા છે.

england india cricket news sports news ravichandran ashwi