જોફ્રા આર્ચર ઇન્જર્ડ થતાં બીજી ટેસ્ટમાંથી આઉટ

12 February, 2021 12:23 PM IST  |  Chennai | Agency

જોફ્રા આર્ચર ઇન્જર્ડ થતાં બીજી ટેસ્ટમાંથી આઉટ

જોફ્રા આર્ચર

ઇંગ્લૅન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઈસીબી)ના જણાવ્યા મુજબ જોફ્રા આર્ચર ઈજાને લીધે આવતી કાલથી ચેન્નઈમાં શરૂ થનારી બીજી ટેસ્ટ મૅચમાંથી બહાર થયો છે. ભારત સામેની પહેલી ટેસ્ટ મૅચ બાદ અસ્વસ્થતા અનુભવતાં તેણે ઇન્જેક્શન પણ લીધું હતું. ઈસીબીએ આશા વ્યક્ત કરી છે કે અમદાવાદમાં રમાનારી ત્રીજી ટેસ્ટ મૅચમાં તે ફિટ થઈ જશે અને કમબૅક કરી શકશે.

આર્ચરની ઇન્જરીને લીધે ઇંગ્લૅન્ડ તેની રોટેશન પૉલિસી મુજબ ૩૮ વર્ષના જેમ્સ ઍન્ડરસનને આરામ આપવાનો પ્લાન મુલતવી રાખશે અને તેને કદાચ રમાડી શકે છે. આર્ચરની જગ્યાએ ટીમમાં બીજા અનુભવી પેસ બોલર સ્ટુઅર્ટ બ્રૉડનો નંબર લાગી શકે છે. જો આમ થશે તો ચાહકોને ફરી ઍન્ડરસન અને બ્રૉડની અનુભવી જોડી સાથે રમતો જોવા મળશે.

ઍન્ડરસનને ડે-નાઇટ ટેસ્ટમાં આપવો હતો આરામ

પ્રાપ્ત જાણકારી મુજબ ઇંગ્લૅન્ડની ટીમ પિન્ક બૉલ ટેસ્ટ પહેલાં ઍન્ડરસનને આરામ આપવા માગતું હતું.૩૮ વર્ષનો ઍન્ડરસન પોતાના બેસ્ટ ફૉર્મમાં ચાલી રહ્યો છે અને તેણે પહેલી ટેસ્ટ મૅચમાં કુલ પાંચ વિકેટ લઈને ઇન્ડિયાને હેરાન કરતાં પોતાની ફિટનેસનો પણ પરચો આપ્યો હતો. ટેસ્ટ ક્રિકેટમાં ૬૧૧ વિકેટ લેનાર આ પેસર ઑસ્ટ્રેલિયામાં ઍશિઝ સિરીઝ રમ્યા બાદ ક્રિકેટને અલવિદા કરી દેવાનો છે. ઇંગ્લૅન્ડનું ટીમ મૅનેજમેન્ટ તેનો યોગ્ય ઉપયોગ કરવા માગે છે. વળી, આ વર્ષે ઇંગ્લૅન્ડ ટીમનું શેડ્યુલ પણ ભારે વ્યસ્ત છે. ઍન્ડરસનનું કહેવું છે કે ‘જે પ્રમાણે એક બૅટ્સમૅન ફૉર્મમાં હોય ત્યારે બૅટિંગ કરી પોતાનો લય જાળવી રાખવા માગે રાખે છે એ પ્રમાણેની ઇચ્છા બોલર્સ પણ રાખતા હોય છે. મને ખબર છે કે અહીં અમને સતત ચાર ટેસ્ટ મૅચ રમવા મ‍ળી રહી છે. માટે શક્ય છે કે ખેલાડીઓને રોટેડ કરવા અને આરામ આપવાની ફરજ વારંવાર પડી શકે છે.’

કોચ પણ છે બદલાવના પક્ષમાં

ઇંગ્લિશ ટીમના કોચ ક્રિસ સિલ્વરવુડ ટીમમાં ફેરફાર કરવાના પક્ષમાં છે. સિલ્વરવુડે કહ્યું કે ‘વિનિંગ ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવે એનો મને જરાય વાંધો નથી. જો આ ટીમ અને ખેલાડીઓ માટે સારું હોય તો ફેરફાર થવા જોઈએ. ઍન્ડરસન એક સારો પ્લેયર છે. જોઈએ શું બેસ્ટ પૉસિબલ થઈ શકે છે.’

મોઇન અલીને મળી શકે છે તક

પહેલી ટેસ્ટ મૅચમાં સ્થાન ન મેળવનાર ઇંગ્લૅન્ડના ઑલરાઉન્ડર મોઇન અલીને ટીમ બીજી ટેસ્ટમાં રમાડી શકે છે. કોચ સિલ્વરવુડે કહ્યું કે ‘અમે દરેક પ્રકારની યોજના પર ચર્ચા કરી છે. જરૂર પડશે તો અમે બદલાવ કરીશું. અમારી પાસે ઘણા વિકલ્પ ઉપલબ્ધ છે. મોઇન અલી ઘણી મહેનત કરી રહ્યો છે, તેને પણ તક મળી શકે છે.’

england india cricket news sports news