20 February, 2025 07:01 AM IST | Lahore | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે પ્રૅક્ટિસ સેશન દરમ્યાન જોરદાર એક્સરસાઇઝ કરી રહેલી પાકિસ્તાનની ટીમ.
કરાચીના સ્ટેડિયમમાં આજે ડિફેન્ડિંગ ચૅમ્પિયન પાકિસ્તાન અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચેની ટક્કરથી ચૅમ્પિયન્સ ટ્રોફી 2025ની ધમાકેદાર શરૂઆત થશે. ૨.૩૦ વાગ્યે શરૂ થનારી આ મૅચમાં યજમાન ટીમ સામે કિવી ટીમ સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે ઊતરશે, કારણ કે આ જ ટીમને ફાઇનલમાં હરાવીને ન્યુ ઝીલૅન્ડ હાલમાં ત્રિકોણીય સિરીઝ પણ જીત્યું છે.
આ ટુર્નામેન્ટમાં બન્ને ટીમ ત્રણ વાર સામસામે રમી છે અને ત્રણેયમાં કિવીઓએ જીત મેળવી છે. ન્યુ ઝીલૅન્ડે પાકિસ્તાન સામે આ ટુર્નામેન્ટમાં ૨૦૦૦ની સેમી ફાઇનલમાં ચાર વિકેટે, ૨૦૦૬ની ગ્રુપ-સ્ટેજ મૅચમાં ૫૧ રને અને ૨૦૦૯ની સેમી ફાઇનલમાં પાંચ વિકેટે જીત મેળવી હતી. બન્ને વચ્ચેની છેલ્લી ૧૦ વન-ડે મૅચની વાત કરીએ તો બન્ને ટીમ પાંચ-પાંચ મૅચ જીતી છે. ત્રિકોણીય સિરીઝમાં છેલ્લી બે ટક્કરમાં પાકિસ્તાનને હરાવનાર ન્યુ ઝીલૅન્ડ પાસે આ હરીફ સામે હૅટ-ટ્રિક મૅચ જીતવાની તક રહેશે.
ઇન્જરીના ભાગ પર પટ્ટી લગાડીને રચિન રવીન્દ્રએ કરાવ્યું ફોટોશૂટ.
કિવીઓને મળ્યા ગુડ અને બૅડ ન્યુઝ
ચૅમ્પિયન્સ ટ્રોફીની શરૂઆતમાં જ ન્યુ ઝીલૅન્ડની ટીમને એક સારા અને એક ખરાબ ન્યુઝ મળ્યા છે. ૧૬ ફેબ્રુઆરીએ અફઘાનિસ્તાન સામે રમાયેલી વૉર્મ-અપ મૅચમાં કિવી ટીમે બે વિકેટે જીત મેળવી હતી, પણ આ મૅચમાં ફાસ્ટ બોલર લૉકી ફર્ગ્યુસનને પગની ઇન્જરી થઈ હતી. આ ઇન્જરીને કારણે તે ટુર્નામેન્ટમાંથી બહાર થયો છે. તેના સ્થાને મીડિયમ ફાસ્ટ બોલર કાઇલ જૅમિસનને સ્ક્વૉડમાં સામેલ કરવાની મંજૂરી ICCની ઇવેન્ટ ટેક્નિકલ કમિટીએ આપી છે, જ્યારે ભારતીય મૂળનો ઑલરાઉન્ડર રચિન રવીન્દ્ર પણ ચૅમ્પિયન્સ ટ્રોફી રમવા માટે ફિટ થઈ ગયો છે જે ત્રિકોણીય સિરીઝ દરમ્યાન માથામાં બૉલ વાગવાથી ઇન્જર્ડ થયો હતો.