ભારત-પાકિસ્તાનની મૅચ એકતરફી રહેશે, પણ ફખર ઝમાન ભારતની જીત છીનવી શકે છે : હરભજન સિંહ

18 February, 2025 10:17 AM IST  |  Lucknow | Gujarati Mid-day Correspondent

ભારત આ સ્પર્ધામાં ઘણું આગળ છે અને ખૂબ જ સક્ષમ ટીમ છે જે આ ચૅમ્પિયન્સ ટ્રોફી જીતી શકે છે. મને લાગે છે કે આ ટુર્નામેન્ટમાં બીજી ટીમ અફઘાનિસ્તાન છે જે ખૂબ સારું રમશે

લખનઉમાં એક ટુર્નામેન્ટ દરમ્યાન ચા અને બનમસ્કાનો આનંદ માણતો જોવા મળ્યો હરભજન સિંહ.

ભૂતપૂર્વ ભારતીય સ્પિનર હરભજન સિંહે પોતાની યુટ્યુબ ચૅનલ પર ચૅમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ને લઈને મોટી વાત કહી હતી. તે કહે છે કે ‘ભારત આ સ્પર્ધામાં ઘણું આગળ છે અને ખૂબ જ સક્ષમ ટીમ છે જે આ ચૅમ્પિયન્સ ટ્રોફી જીતી શકે છે. મને લાગે છે કે આ ટુર્નામેન્ટમાં બીજી ટીમ અફઘાનિસ્તાન છે જે ખૂબ સારું રમશે, કારણ કે તેઓ આ પરિસ્થિતિઓમાં સારું પ્રદર્શન કરશે.’

ભારત અને પાકિસ્તાન વચ્ચેની બહુચર્ચિત મૅચની વાત કરતાં હરભજન કહે છે કે ‘ટિકિટના ભાવ ઘણા વધી ગયા છે, પણ મને નથી લાગતું કે આ રમત લોકોની અપેક્ષા મુજબ રોમાંચક રહેશે. ૨૩ ફેબ્રુઆરીએ આ ખૂબ જ ચર્ચાસ્પદ રમત એકતરફી રમત હશે. ભારત ખૂબ જ મજબૂત ટીમ છે. પાકિસ્તાનની ટીમ બિનઅનુભવી દેખાઈ રહી છે. જો તમે તેમના આંકડા જુઓ અને ભારતીય બૅટ્સમેન અને બોલરો સાથે એની તુલના કરો તો તમને સ્પષ્ટ ચિત્ર મળશે.’

પાકિસ્તાની બૅટ્સમેન વિશેના કેટલાક આંકડા શૅર કરતાં ભજ્જી કહે છે, ‘તેમના મુખ્ય બૅટ્સમૅન બાબરનો ભારત સામે બૅટિંગ-ઍવરેજ ૩૧ છે. ટોચના બૅટ્સમૅનની ઍવરેજ ૫૦ની આસપાસ હોવી જોઈએ. રિઝવાનની ભારત સામે ઍવરેજ પચીસ છે. ફખર ઝમાન એકમાત્ર ઓપનર છે જેની ઍવરેજ ૪૬ છે. તે ભારત પાસેથી જીત છીનવી શકે છે, પરંતુ એ સિવાય તેમની બૅટિંગ આત્મવિશ્વાસને પ્રેરિત કરતી નથી. જ્યારે હું એ બૅટિંગ લાઇનઅપ જોઉં છું ત્યારે મને વિશ્વાસ નથી આવતો કે આ ટીમ ભારત સામે લડી શકે છે.

harbhajan singh champions trophy india pakistan cricket news sports news sports