26 December, 2025 12:24 PM IST | Melbourne | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે ક્રિસમસના અવસર પર કાંગારૂ ટીમના પ્રૅક્ટિસ-સેશનમાં તેમનાં બાળકો અને પરિવારના સભ્યોએ પણ હાજરી આપી હતી
પાંચ મૅચની ઍશિઝ ટેસ્ટ-સિરીઝમાં આજથી ચોથી મૅચ મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં શરૂ થશે. ઑસ્ટ્રેલિયાએ ૩-૦થી અજેય લીડ મેળવી લીધી હોવાથી તેઓ સિરીઝને ક્લીન સ્વીપ કરવા ઊતરશે, જ્યારે મહેમાન અંગ્રેજ ટીમ પોતાનું સ્વાભિમાન બચાવવા માટે બાકીની બે મૅચમાં જીતવાનો પ્રયાસ કરશે. મેલબર્નમાં બન્ને ટીમ વચ્ચે ૫૭ ટેસ્ટ-મૅચ રમાઈ છે જેમાંથી ઑસ્ટ્રેલિયા ૨૯ મૅચ અને ઇંગ્લૅન્ડ ૨૦ મૅચ જીત્યું છે, ૮ મૅચ ડ્રૉ રહી છે.
પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન ઇંગ્લૅન્ડના કેટલાક પ્લેયર્સના માથા પર જોવા મળી હતી સૅન્ટા કૅપ. ઇંગ્લૅન્ડનો વિસ્ફોટક બૅટર હૅરી બ્રૂક સૅન્ટાની રેડ-વાઇટ કૅપ પહેરીને બૅટિંગ-પ્રૅક્ટિસ કરતો જોવા મળ્યો
બૉક્સિંગ ડે શબ્દ ૧૭મી સદીના બ્રિટન પરથી આવ્યો છે જ્યાં ક્રિસમસ પછીના દિવસે ગરીબ લોકોને પૈસા અથવા સામાન ધરાવતાં ક્રિસમસ બૉક્સ આપવામાં આવતાં હતાં. સમય જતાં બૉક્સિંગ ડે રાષ્ટ્રીય સ્તરે માન્યતાપ્રાપ્ત રજા બની ગઈ જેના કારણે જાહેર મેળાવડા અને મુખ્ય રમતગમત કાર્યક્રમો યોજાઈ શક્યા. ઑસ્ટ્રેલિયામાં રજા અને મોટી હાજરીના આ સંયોજને બૉક્સિંગ ડે ટેસ્ટને ક્રિકેટ-કૅલેન્ડરમાં કાયમી સ્થાન આપવામાં મદદ કરી.
બૉક્સિંગ ડે ટેસ્ટ એ વાર્ષિક ક્રિકેટ-પરંપરા છે જે ૨૬ ડિસેમ્બરથી મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે શરૂ થાય છે.