06 January, 2025 10:42 AM IST | Sydney | Gujarati Mid-day Correspondent
પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટની ટ્રોફી સાથે જસપ્રીત બુમરાહ.
ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ બૉર્ડર-ગાવસકર ટ્રોફીમાં ભારત માટે વન-મૅન આર્મીની જેમ રમ્યો હતો. તે સૌથી વધુ ૩૨ વિકેટ લઈને પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ બન્યો હતો. સિડની ટેસ્ટ-મૅચમાં ભારતનો કૅપ્ટન બુમરાહ પીઠના દુખાવાને કારણે ગઈ કાલે બૅટિંગ કરવા આવ્યો હતો, પણ બોલિંગ કરી શક્યો નહોતો. સિરીઝની પહેલી મૅચમાં તેની કૅપ્ટન્સી હેઠળ ભારતીય ટીમે વિજયી શરૂઆત કરી હતી.
પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ અવૉર્ડ મેળવ્યા બાદ તેણે કહ્યું કે ‘સિડનીમાં બોલિંગ ન કરી શક્યો એ નિરાશાજનક છે, પરંતુ કેટલીક વાર તમારે તમારા શરીરનું સન્માન કરવું પડે છે. તમે તમારા શરીર સાથે લડી શકતા નથી. કદાચ આ સિરીઝની શ્રેષ્ઠ વિકેટ પર હું બોલિંગ કરવાનું ચૂકી ગયો.’
યંગ બોલર્સ વિશે વાત કરતાં જસપ્રીત બુમરાહે કહ્યું કે ‘લાંબા સમય સુધી રમતમાં રહેવું, પ્રેશર બનાવવું, પ્રેશરનો સામનો કરવો અને પરિસ્થિતિ અનુસાર રમવું એ બધું જ મહત્ત્વપૂર્ણ છે. તમારે સંજોગોને અનુરૂપ થવું પડશે અને આ શીખ ભવિષ્યમાં અમને મદદ કરશે. અમારા યંગ બોલર્સે અહીં ઘણો અનુભવ મેળવ્યો છે. અમે બતાવ્યું છે કે અમારા પ્લેયર્સમાં ઘણી પ્રતિભા છે. ઘણા યુવા પ્લેયર્સ ઉત્સુક છે. તેઓ નિરાશ એટલે છે કે અમે જીત્યા નથી, પરંતુ તેઓ આ અનુભવમાંથી શીખશે. આ એક શાનદાર સિરીઝ હતી, ઑસ્ટ્રેલિયાને અભિનંદન. તેમણે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું.’
|
જસપ્રીત બુમરાહનું પ્રદર્શન |
|
|
ઇનિંગ્સ |
૦૯ |
|
બૉલ |
૯૦૮ |
|
ઓવર |
૧૫૧.૨ |
|
મેઇડન |
૩૯ |
|
રન આપ્યા |
૪૧૮ |
|
વિકેટ |
૩૨ |
|
ઍવરેજ |
૧૩.૦૬ |
|
ઇકૉનૉમી |
૨.૭૬ |