ભારતમાં આઇપીએલનું આયોજન ક્રિકેટ બોર્ડની સૌથી મોટી મૂર્ખામી: નાસિર હુસેન

06 May, 2021 02:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇંગ્લૅન્ડનો ભૂતપૂર્વ કૅપ્ટન આયોજકોને આડે હાથ લેતાં કહે છે કે બંધ તો થવાની જ હતી, હજારો લોકો ઑક્સિજન માટે તડપી રહ્યા હોય ત્યારે ક્રિકેટના મેદાનની બહાર ઍમ્બ્યુલન્સ એમ ને એમ પડી રહેતી હતી

નાસિર હુસેન

આઇપીએલને ૨૯ મૅચ બાદ બંધ કરી દેવાની ફરજ પડ્યા બાદ ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરો આ મહામારીમાં એના આયોજન બદલ ભારતીય ક્રિકેટ બોર્ડની ટીકા કરવા લાગ્યા છે. એમાં હવે ઇંગ્લૅન્ડનો ભૂતપૂર્વ ક્રિકેટર નાસિર હુસેન પણ જોડાયો છે. 

નાસિર હુસેને એક અખબારની તેની કૉલમમાં આ મહામારીના સમયમાં ભારતમાં આઇપીએલ જેવી લીગનું આયોજન કરવા બદલ નારાજગી વ્યક્ત કરતાં લખ્યું હતું કે ‘ભારતીય ક્રિકેટ બોર્ડ પાસે આઇપીએલને સસ્પેન્ડ કરવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. બાયો-સિક્યૉર બબલ પણ સિક્યૉર નહોતો અને અનેક વાર પ્રોટોકૉલના ભંગ વિશે જાણવા મળતું હતું. હવે બહુ થયું. હવે આ તો ક્રિકેટની રમત કરતાં પણ મોટી થઈ ગઈ છે. ખેલાડીઓ બેવકૂફ નહોતા કે સંવેદનહીન પણ નહોતા. તેઓ બરાબર જાણતા હતા કે ભારતમાં અત્યાર કેવી હાલત છે. તેઓ જોઈ રહ્યા હતા કે કેવી રીતે લોકો હૉસ્પિટલ, બેડ કે ઑક્સિજન માટે હાથ જોડીને વિનંતી કરી રહ્યા છે. બીજી તરફ એ પણ જોઈ રહ્યા હતા કે ક્રિકેટના મેદાનની બહાર ઍમ્બ્યુલન્સ એમ ને એમ ઉઊ રહેતી હતી. આ બધું જોઈને તેમને પણ દુખ થતું જ હશે.’

વધુમાં નાસિર હુસેને લખ્યું હતું કે ‘એક બાજુ લોકો મરી રહ્યા છે ત્યારે આ ટુર્નામેન્ટને માણવી પાપ કરી રહ્યા હોઈએ એવું લાગતું હતું. હું આ માટે ખેલાડીઓની ટીકા નથી કરી રહ્યો, પણ બંધ કરવી પડે એમ હતી. પહેલી વાત તો એ કે ભારતમાં આનું આયોજન કરવું સૌથી મોટી મૂર્ખામી હતી. હજી છ મહિના પહેલાં યુએઈમાં એનું શાનદાર આયોજન કરવામાં જ આવ્યું હતું.’  

cricket news sports news ipl 2021 indian premier league