ક્રિકેટ બોર્ડ-આઇપીએલ 100 કરોડ ડોનેટ કરે

07 May, 2021 02:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભૂતપૂર્વ ગવર્નિંગ કાઉન્સિલ મેમ્બર સૂરિન્દર ખન્ના કહે છે કે આઇપીએલને બહુ પહેલાં જ રદ કરવાની જરૂર હતી

સૂરિન્દર ખન્ના

આઇપીએલની ૧૪મી સીઝન  બાયો-બબલ્સમાં કોરોનાના કેસ વધતાં ૨૯ મૅચ બાદ અટકાવી દેવાનો નિર્ણય લીધો હતો. આમ સીઝન અધવચ્ચે અટકી જતાં ક્રિકેટ બોર્ડને આશરે ૨૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થવાનું અનુમાન છે ત્યારે ભૂતપૂર્વ વિકેટકીપર અને આઇપીએલ ગસર્નિંગ કાઉન્સિલના ભૂતપૂર્વ મેમ્બર સૂરિન્દર ખન્નાએ ક્રિકેટ બોર્ડની કોરોના માટે કોઈ ડોનેશન ન કરવા બદલ ભારે ટીકા કરી હતી. તેમનું કહેવું છે કે દેશની કપરી સ્થિતિમાં દેશ-વિદેશના અનેક ક્રિકેટરો પોતાની યથાશક્તિ પ્રમાણે આગળ આવીને મદદરૂપ બની રહ્યા છે ત્યારે વિશ્વનું સૌથી ધનવાન બોર્ડ કંઈ નથી કરી રહ્યું. આ બાબતે સૂરીન્દર ખન્નાએ કહ્યું હતું કે ‘ભારતીય ક્રિકેટ બોર્ડ-આઇપીએલે કમસે કમ ૧૦૦ કરોડનું કોરોના રિલીફ ફન્ડ માટે ડોનેશન કરવું જોઈએ. એ તો ક્રિકેટ બોર્ડ માટે તેમના પ્રૉફિટમાં નુકસાન સમાન હશે. ઑફિશ્યલ ટેલિસ્ટાટર સ્ટાર સ્પોર્ટ્સે આવા સંજોગો માટે વીમો પણ કરાવ્યો હશે. એ બધું જવા દઈએ, ક્રિકેટ બોર્ડ પાસે હજી પણ પૂરતું કૅશ રિઝર્વ છે કે તેઓ આવા સમયે તેમની મૉરલ અને સોશ્યલ જવાબદારી નિભાવી શકે.’ 

 આ ઉપરાંત ખન્નાએ કહ્યું હતું કે ‘આઇપીએલને બહુ પહેલાં જ રદ કરી નાખવી જોઈતી હતી અને ફ્રૅન્ચાઇઝીઓએ પણ સ્પષ્ટતા કરવી જોઈતી હતી કે શું તેઓ ફક્ત પૈસા કમાવા માટે લીગ ચાલુ રાખી રહી છે? શું તેમને લોકોના જીવની પરવા નથી? 

છેલ્લે તેમણે કહ્યું હતું કે ‘એકાદ શહેરમાં આયોજન હોય તો જ બાયો-બબલ્સ યોગ્ય રીતે ઑપરેટ થાય. જો તમે ફક્ત મુંબઈને પસંદ કર્યું હોત તો ચાલત, પણ તમે છ-છ શહેરમાં કરવા જાઓ તો સમસ્યા થવાની જ હતી. ઉપરાંત ગઈ સીઝનમાં યુએઈમાં અસરકારક રીતે બાયો-બબલ્સ બનાવનાર એજન્સીને જ આ વખતે કેમ કામ નહોતું સોંપ્યું? ક્રિકેટ બોર્ડે બાયો-બબલ્સના ભંગની તપાસ કરવી જોઈએ.’

cricket news sports news board of control for cricket in india ipl 2021 indian premier league