19 June, 2025 06:53 AM IST | London | Gujarati Mid-day Correspondent
કૅપ્ટન નઝમુલ હુસેન શાન્તો અને મુશફિકુર રહીમ.
બંગલાદેશના બે ધુરંધરોએ પહેલા જ દિવસે સેન્ચુરી ફટકારીને વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ની નવી સીઝનની ધમાકેદાર શરૂઆત કરી છે. ગૉલ ક્રિકેટ સ્ટેડિયમમાં બે મૅચની ટેસ્ટ-સિરીઝની પહેલી ટેસ્ટમાં બંગલાદેશ ટૉસ જીતીને પહેલાં બેટિંગ કરવા ઊતર્યું હતું. ૧૭મી ઓવરમાં ૪૫ રનના સ્કોરે ત્રણેય ટૉપ ઑર્ડર બૅટર્સની વિકેટ ગુમાવીને મહેમાન ટીમે ખરાબ શરૂઆત કરી હતી. જોકે કૅપ્ટન નઝમુલ હુસેન શાન્તો અને મુશફિકુર રહીમે ચોથી વિકેટ માટે ૨૪૭ રનની પાર્ટનરશિપ કરીને સ્કોર પહેલા દિવસે ૯૦ ઓવરમાં ત્રણ વિકેટે ૨૯૨ રન સુધી પહોંચાડ્યો હતો.
ચોથા ક્રમે આવીને કૅપ્ટન નઝમુલ હુસેન શાન્તો ૨૬૦ બૉલમાં ૧૪ ફોર અને એક સિક્સર ફટકારીને ૧૩૬ રનની અણનમ ઇનિંગ્સ રમ્યો હતો, જ્યારે ભૂતપૂર્વ કૅપ્ટન મુશફિકુર રહીમ ૧૮૬ બૉલમાં માત્ર પાંચ ફોરની મદદથી ૧૦૫ રનની નૉટઆઉટ ઇનિંગ્સ રમ્યો હતો. શ્રીલંકા તરફથી ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં પહેલી મૅચ રમી રહેલા સ્પિનર થારિંદુ રત્નાયકે (૧૨૪ રનમાં બે વિકેટ) અને અનુભવી ફાસ્ટ બોલર અસિથા ફર્નાન્ડો (૫૧ રનમાં એક વિકેટ)ને પહેલા દિવસે સફળતા મળી હતી. બંગલાદેશે પહેલા સેશનમાં ૨૮ ઓવરમાં ત્રણ વિકેટે ૯૦ રન, બીજા સેશનમાં ૩૦ ઓવરમાં ૯૨ રન અને ત્રીજા સેશનમાં ૩૨ ઓવરમાં ૧૧૦ રન કરીને શ્રીલંકાની ધરતી પરનો પોતાનો પહેલા દિવસનો હાઇએસ્ટ ૨૯૨ રનનો સ્કોર કર્યો હતો.
પહેલી વાર બ્રિટનની બહાર રમાઈ WTCની ઓપનિંગ મૅચ
વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ની હમણાં સુધીની ત્રણેય સીઝનની ઓપનિંગ મૅચ બ્રિટનમાં રમાઈ હતી અને ઇંગ્લૅન્ડની ટીમ એ મૅચમાં સામેલ હતી. પહેલી વાર ઇંગ્લૅન્ડની ટીમ વગર અને બ્રિટનની બહાર WTCની ઓપનિંગ મૅચ રમાઈ રહી છે. ૨૦૧૯-’૨૧માં બર્મિંગહૅમમાં ઇંગ્લૅન્ડ-ઑસ્ટ્રેલિયા, ૨૦૨૧-’૨૩માં નોટિંગહૅમમાં ઇંગ્લૅન્ડ-ભારત અને ૨૦૨૩-’૨૫માં બર્મિંગહૅમમાં ઇંગ્લૅન્ડ-ઑસ્ટ્રેલિયા વચ્ચે સીઝનની ઓપનિંગ મૅચ રમાઈ હતી.