કૅમેરાની કમાલ : પ્લેયર ચાર, નામ બે

07 December, 2021 03:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અશ્વિને ગઈ કાલે મૅચ પછી એકસાથે ઊભેલા અક્ષર, અજાઝ પટેલ, રાચિન રવીન્દ્ર અને રવીન્દ્ર જાડેજાની તસવીર સોશ્યલ મીડિયા પર અપલોડ કરી

અક્ષર, અજાઝ પટેલ, રાચિન રવીન્દ્ર અને રવીન્દ્ર જાડેજા

ન્યુ ઝીલૅન્ડ સામેની શ્રેણીમાં મૅન ઑફ ધ સિરીઝનો પુરસ્કાર જીતેલા રવિચન્દ્રન અશ્વિને ગઈ કાલે વાનખેડે સ્ટેડિયમના મેદાન પર ઊભેલા આ સિરીઝના ચાર એવા ખેલાડીઓની તસવીર અપલોડ કરી હતી જેમનાં નામ અને અટકને જોડતાં બે આખાં નામ બન્યાં હતાં. નવાઈ પમાડતા આ કન્સેપ્ટમાં ભારતના બે અને ન્યુ ઝીલૅન્ડના બે મળી કુલ ચાર ખેલાડીઓને એક લાઇનમાં ઊભા રાખવામાં આવ્યા હતા અને તેમની પીઠ પરના નામ-અટક વંચાય એ રીતે યાદગાર તસવીર ખેંચવામાં આવી હતી.
આ ચાર પ્લેયરોમાં અક્ષર પટેલ, અજાઝ પટેલ, રાચિન રવીન્દ્ર અને રવીન્દ્ર જાડેજાનો સમાવેશ હતો. બે કિવી સ્પિનરો (અજાઝ અને રાચિન) મૂળ ભારતના હોવાથી ચારેચાર જણ ભારતીય છે એમ કહીએ તો પણ ખોટું નથી. આ ચાર ખેલાડીઓને એકસાથે ઊભા રાખવામાં આવ્યા હતા, પરંતુ એમાંથી ભારતના બે લેફ્ટ-આર્મ ગુજરાતી સ્પિનરોના નામ (અક્ષર પટેલ અને રવીન્દ્ર જાડેજા) ઊભર્યા હતા. એમાં ખાસ કરીને રાચિન રવીન્દ્ર અને રવીન્દ્ર જાડેજાના જર્સી-નંબર (૮) એકસરખા હતા.
આ ચારેચાર ખેલાડી માટે આ સિરીઝ યાદગાર રહી હતી. અક્ષર પટેલે કાનપુરની પહેલી ટેસ્ટમાં ૬ વિકેટની સિદ્ધિ સહિત સિરીઝમાં કુલ ૯ વિકેટ લીધી હતી. અજાઝ પટેલ માટે મુંબઈની ટેસ્ટ ઐતિહાસિક બની હતી. તેણે પહેલા દાવમાં ભારતની તમામ ૧૦ વિકેટ લઈને ઇંગ્લૅન્ડના જિમ લેકર (૫૩/૧૦) અને અનિલ કુંબલે (૭૪/૧૦)ના વિશ્વવિક્રમની બરાબરી કરી હતી. રાચિન રવીન્દ્રએ મુંબઈની ટેસ્ટના બીજા દાવમાં ૩ વિકેટ લીધી હતી, પરંતુ કાનપુરની ટેસ્ટમાં તેણે અને અજાઝે છેલ્લી વિકેટ માટેની ભાગીદારી અતૂટ રાખીને ભારતને વિજયથી વંચિત રાખ્યું હતું. રવીન્દ્ર જાડેજા પહેલી ટેસ્ટમાં જ રમ્યો હતો અને એમાં તેણે પહેલા દાવમાં હાફ સેન્ચુરી ફટકારવા ઉપરાંત કુલ પાંચ વિકેટ (૧ અને ૪) પણ લીધી હતી.

sports sports news cricket news axar patel ravichandran ashwin ravindra jadeja