ઑસ્ટ્રેલિયાનો સતત ૨૫મો વિજય, ભારતીય મહિલાઓ ૯ વિકેટે હારી

22 September, 2021 02:56 PM IST  |  Mumbai | Agency

મિતાલીની સતત પાંચમી હાફ સેન્ચુરીની મદદથી આપેલા ૨૨૬ રનના ટાર્ગેટને કાંગારૂ ટીમે ૪૧ ઓવરમાં એક વિકેટ ગુમાવીને મેળવી લીધો

ઑસ્ટ્રેલિયાનો સતત ૨૫મો વિજય, ભારતીય મહિલાઓ ૯ વિકેટે હારી

ભારતીય મહિલા ટીમ ઑસ્ટ્રેલિયન મહિલા ટીમના વિજયરથને રોકવામાં નિષ્ફળ રહી હતી. ગઈ કાલે ટૂરની પ્રથમ વન-ડેમાં ઑસ્ટ્રેલિયન ટીમે વન-ડેમાં ઐતિહાસિક સળંગ ૨૫મો વિજય મેળવતાં ભારતીય મહિલા ટીમને ૯ ઓવર બાકી રાખીને ૯ વિકેટે સજ્જડ પરાજય ચખાડ્યો હતો. 
બોલર્સ સાવ વામણા 
ઑસ્ટ્રેલિયન ટીમે ટૉસ જીતીને ભારતીય ટીમને પ્રથમ બૅટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. આક્રમક ઓપનરો શેફાલી વર્મા (૮) અને સ્મૃતિ મંધાના (૧૬) ટીમને મજબૂત શરૂઆત નહોતી આપી શકી. પ્રથમ વન-ડે રમી રહેલી યાસ્તિકા ભાટિયા (૩૫) અને કૅપ્ટન મિતાલી રાજે (૬૩) ત્રીજી વિકેટે માટે ૭૭ રનની પાર્ટનરશિપ સાથે ટીમને સંભાળી હતી. છેલ્લે રિચા ઘોષ (અણનમ ૩૨), ઝુલન ગોસ્વામી (૨૦) અને પૂજા વસ્ત્રાકર (૧૭)ની ઉપયોગી ઇનિંગ્સને લીધે સ્કોર ૫૦ ઓવરમાં ૮ વિકેટે ૨૨૫ રન સુધી પહોંચી શક્યો હતો. ઑસ્ટ્રેલિયા વતી ૧૮ વર્ષની ડાર્સી બ્રાઉને ૩૩ રનમાં ચાર વિકેટ લીધી હતી. 
ઑસ્ટ્રેલિયન ટીમે ૨૨૬ રનનો ટાર્ગેટ ટૉપ થ્રી ખેલાડીઓ રચેલ હેન્સ (અણનમ ૯૩), એલિસા હિલી (૭૭) અને કૅપ્ટન મૅગ લેનિંગ (અણનમ ૫૩)ની હાફ સેન્ચુરીની મદદથી આસાનીથી ૪૧મી ઓવરમાં એક વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો. ઑસ્ટ્રેલિયન કૅપ્ટન લેૅનિંગની આ ૨૦૦મી ઇન્ટરનૅશનલ મૅચ હતી.
બીજી વન-ડે શુક્રવારે રમાશે. 
સતત પાંચમી હાફ સેન્ચુરી
મિતાલીની ગઈ કાલની ૬૩ રનની ઇનિંગ્સ સાથે તેણે વન-ડેમાં સતત પાંચમી હાફ સેન્ચુરી ફટકારી હતી. આ પહેલાં તેણે સાઉથ આફ્રિકા સામે ૭૯ અને ત્યાર બાદ ઇંગ્લૅન્ડ સામે ત્રણેય વન-ડેમાં ૭૨, ૫૯ અને ૭૫ રન બનાવ્યા હતા. ગઈ કાલની હાફ સેન્ચુરી મિતાલીની વન-ડે કરીઅરની ૫૯મી હતી. 
બોલિંગમાં કરવી પડશે મહેનત
હાર્યા બાદ કૅપ્ટન મિતાલીએ કહ્યું હતું કે ટીમે ખાસ કરીને બોલિંગમાં ખૂબ સુધારો કરવાની જરૂર છે. આમ જોવા જઈએ તો અમારો સ્પિન-અટૅક છે, પણ આજકાલ અમારા સ્પિનરો દરેક જગ્યાએ ખૂબ મોંઘા સાબિત થઈ રહ્યા છે એથી અમારે આ બાબતે થોડો બદલાવ કરવાની જરૂર છે.’
કૅપ્ટન મિતાલીએ નંબર-વનનું સ્થાન જાળવી રાખ્યું
ગઈ કાલે જાહેર થયેલા વન-ડે રૅન્કિંગ્સમાં મિતાલીએ બૅટિંગમાં તેનું નંબર-વનનું સ્થાન જાળવી રાખ્યું હતું. મિતાલી ૭૬૨ રેટિંગ પૉઇન્ટ સાથે નંબર-વન છે, જ્યારે સાઉથ આફ્રિકાની લિઝેલ લી ૭૬૧ પૉઇન્ટ સાથે બીજા નંબરે છે. ગયા અઠવાડિયેએ મિતાલી અને લી બન્ને સંયુક્ત રીતે નંબર-વન પર હતી. ઑસ્ટ્રેલિયાની એલિસા હિલી ૭૫૬ પૉઇન્ટ સાથે ત્રીજા નંબરે છે. 

ભારતીય કૅપ્ટન મિતાલી રાજે પૂરા કર્યા ૨૦,૦૦૦ રન ભારતીય કૅપ્ટન મિતાલી રાજે ગઈ કાલે પ્રથમ વન-ડેમાં ૬૧ રનની કૅપ્ટન્સ ઇનિંગ્સ સાથે વન-ડેમાં સતત પાંચમી હાફ સેન્ચુરીની કમાલ કરવા ઉપરાંત કરીઅરમાં ૨૦,૦૦૦ રનનો માઇલસ્ટોન પણ પાર કરી લીધો હતો. મિતાલીના આ સાથે ફર્સ્ટ ક્લાસ, લિસ્ટ-એ તેમ જ ટી૨૦ એમ બધાં જ ફૉર્મેટમાં હવે ૨૦,૦૦૦ રન થયા છે. 
મિતાલી રાજના નામે વન-ડેમાં સૌથી વધુ રન, સૌથી વધુ હાફ સેન્ચુરી અને સૌથી વધુ મૅચ રમવાનો પણ વર્લ્ડ રેકૉર્ડ છે. હાલમાં એ વન-ડેમાં નંબર-વન બૅટ્સવુમન છે.

cricket news sports news sports indian womens cricket team