સિડની જવાને બદલે ત્રીજી ટેસ્ટ પણ મેલબર્નમાં જ રમાડવા વિશે વિચારણા

25 December, 2020 03:44 PM IST  |  Melbourne | Gujarati Mid-day Correspondent

સિડની જવાને બદલે ત્રીજી ટેસ્ટ પણ મેલબર્નમાં જ રમાડવા વિશે વિચારણા

આવતી કાલથી મેલબર્ન ગ્રાઉન્ડમાં બીજી બૉક્સિંગ ડે ટેસ્ટ મૅચ શરૂ રહી છે. ત્યાર બાદ ત્રીજી ટેસ્ટ ‌સિડનીમાં સાતમી જાન્યુઆરીથી અને ચોથી ટેસ્ટ ૧૪ જાન્યુઆરીથી બ્રિસ્બેનમાં રમાવાની છે, પણ સિડનીમાં કોરોનાનો પ્રકોપ વધી રહ્યો હોવાથી ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ હવે સિડની ટેસ્ટના ભાવિ વિશે ગંભીરતાથી વિચારવા લાગ્યું છે. આ પહેલાં ચર્ચા હતી કે ક્વીન્સલૅન્ડ સરકાર ખેલાડીઓને ત્રીજી ટેસ્ટ બાદ સિડની છોડીને બહાર જતાં રોકે તો ચોથી ટેસ્ટ પણ સિડનીમાં રમાડવી પડશે. સિડનીના આયોજકોએ પણ એ માટેની તૈયારી બતાવી હતી, પણ હવે સિડનીમાં જવાનું રિસ્ક લેવાને બદલે આવતી કાલથી જ્યાં બીજી ટેસ્ટ રમાવાની છે એ મેલબર્ન ગ્રાઉન્ડમાં જ ત્રીજી ટેસ્ટ રમાડવા વિશે વિચારણા ચાલી રહી છે.

સિડનીના ઉત્તરીય દરિયાકિનારા પર કોરોના વાઇરસના પ્રકોપને લીધે ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડના અધિકારીઓ વિકલ્પ પ્લાન ઘડવા લાગ્યા છે. ગઈ કાલે મળેલી મીટિંગમાં તેમણે મેલબર્નને બૅકઅપ પ્લાન તરીકે જાહેર કર્યું હતું. જો કોઈ કારણસર સિડનીમાં ટેસ્ટ નહીં રમાય તો એ મેલબર્નમાં રમાશે. જોકે આ વિશેનો આખરી નિર્ણય આવતી કાલથી શરૂ થતી બૉક્સિંગ ડે ટેસ્ટ દરમ્યાન લેવાશે.

sports sports news cricket news india australia test cricket