બીજી ટેસ્ટની હારનો બદલો લેવા તત્પર ઑસ્ટ્રેલિયન હેડ કોચ લૅન્ગરનો દાવો...

06 January, 2021 05:16 PM IST  |  Sydney | Gujarati Mid-day Correspondent

બીજી ટેસ્ટની હારનો બદલો લેવા તત્પર ઑસ્ટ્રેલિયન હેડ કોચ લૅન્ગરનો દાવો...

સિડનીથી શરૂઆત: કરીઅરની પ્રથમ ટેસ્ટ રમવા થનગની રહેલા પુકોવ્સ્કીની ફાઇનલ તૈયારી પર નજર રાખી રહેલા હેડ કોચ લૅન્ગર.

ઑસ્ટ્રેલિયન ટીમના હેડ કોચ જસ્ટિન લૅન્ગરનું કહેવું છે કે સિડની ટેસ્ટ રમવા માટે તેમની ટીમના વૉરિયર ડેવિડ વૉર્નરના રમવાની સંભાવના પ્રબળ બની છે અને ટેસ્ટ ક્રિકેટમાં પોતાના ડેબ્યુની આતુરતાથી રાહ જોઈ રહેલો વિલ પુકોવ્સ્કી પણ ડેબ્યુ કરવા તૈયાર છે. આ બન્ને પહેલી ટેસ્ટ મૅચથી સાથે રમવાના હતા, પણ બન્ને ઈજાગ્રસ્ત હોવાથી બે ટેસ્ટ મૅચ નહોતા રમી શક્યા. 

વૉરિયર વૉર્નર તૈયાર

વૉર્નરના સંભવિત કમબૅકથી ખુશખુશાલ ઑસ્ટ્રેલિયન ટીમના હેડ કોચ જસ્ટિન લૅન્ગરે કહ્યું કે ‘ઘણી આશા છે કે ડેવિડ વૉર્નર સિડની ટેસ્ટ રમશે. તે ખરેખર એક વૉરિયર છે. તે ઘણી સારી રીતે આગળ વધી રહ્યો છે અને રમવા માટે તે ઘણો કટિબદ્ધ છે. તેને સ્પર્ધા ગમે છે અને ટેસ્ટ ક્રિકેટ રમવાનું તેને ઘણું ગમે છે. અમે તેના પર નજર રાખી રહ્યા છીએ અને ટ્રેઇનિંગ પછી અમે તેની સાથે ચર્ચા પણ કરીશું. મારા ખ્યાલથી વૉર્નર ત્રીજી ટેસ્ટ મૅચ રમી શકે છે.’

મેડિકલ ટેસ્ટમાં પાસ પુકોવ્સ્કી

વિલ પુકોવ્સ્કીના સંદર્ભે વાત કરતાં જસ્ટિન લૅન્ગરે કહ્યું કે ‘તેણે દરેક મેડિકલ ટેસ્ટ પાસ કરી લીધી છે અને તેના પોતાના માટે તેમ જ તેના પરિવાર માટે આ સારા સમાચાર છે. જ્યાં સુધી વૉર્નરની વાત છે તો તે સ્ટીવ સ્મિથની જેમ ઘણી વાઇટ બૉલ ક્રિકેટ રમ્યો છે પણ છેલ્લા ૧૨ મહિનામાં તે ચાર દિવસની ક્રિકેટ નથી રમ્યો છતાં તે ગેમનો માસ્ટર છે. તે ઘણું ક્રિકેટ રમ્યો છે માટે તેને પોતાનો અનુભવ કામ લાગશે. તે ઈજા સાથે રમશે, કેમ કે તેને હવે માંસપેશીઓમાં એટલો દુખાવો નથી. તેનું રીહૅબ સારું રહ્યું છે, પણ જે પ્રમાણે મેં પહેલાં કહ્યું હતું એ પ્રમાણે ફીલ્ડ પર તેનું કામ થોડું મર્યાદિત રહેશે, કેમ કે છેલ્લા કેટલાક સમયથી તે ટેસ્ટ ક્રિકેટ રમ્યો નથી, પણ જો અમને એમ લાગશે તે વધારે ઈજાગ્રસ્ત થઈ શકે છે તો અમે વધારે જોખમ નહીં ઉઠાવીએ.’

ભારત સિડનીમાં નહીં ફાવે

કોચ જસ્ટિન લૅન્ગરના મતે છેલ્લાં કેટલાંક વર્ષોથી ભારતની બોલિંગમાં આવેલા સુધારાને લીધે એ બોલિંગ લાઇનઅપ આજે ઇન્ડિયન ટીમની તાકાત બની ગઈ છે જેને કારણે તેઓ છેલ્લી ૬માંથી ૩ ટેસ્ટ મૅચ જીતવામાં સફળ રહ્યા છે. જસ્ટિન લૅન્ગરે કહ્યું કે છેલ્લી કેટલીક સિરીઝથી બોલિંગમાં આણેલી શિસ્તબદ્ધતા ટીમ ઇન્ડિયા માટે મોટી તાકાત બની ગઈ છે.

લૅન્ગરે જણાવ્યા પ્રમાણે તેની ટીમ પોતાની રણનીતિમાં ફેરફાર કરશે, ખાસ કરીને રવિચંદ્રન અશ્વિન સામે, જેણે બે ટેસ્ટ મૅચમાં ૧૦ વિકેટ પોતાના નામે કરી લીધી છે અને બે વાર તે સ્ટીવ સ્મિથને આઉટ કરી ચૂક્યો છે.

ટીમ ઑસ્ટ્રેલિયા છેલ્લી બે ટેસ્ટ મૅચની બે ઇનિંગ્સમાં ૨૦૦ રનનો આંકડો પાર નથી કરી શકી એ સંદર્ભે વાત કરતાં લૅન્ગરે કહ્યું કે ‘તમે ૨૦૦થી વધુ રન શા માટે નથી કર્યા એ નથી જોવામાં આવતું, પણ તમે કેટલો સુધરો કર્યો એ જોવામાં આવે છે. મને લાગે છે કે અમારે ભારતીય સ્પિનરો સામે ખાસ કરીને અશ્વિન સામે રમવાની રણનીતિ પર કામ કરવું પડશે. છેલ્લા અઠવાડિયામાં અમે એ દિશામાં કામ કર્યું હતું. જસપ્રીત બુમરાહ પણ વિશ્વકક્ષાનો બોલર છે અને મોહમ્મદ સિરાજ પણ પ્રતિભાવાન બોલર છે. પોતાની ડેબ્યુ ટેસ્ટ મૅચમાં તેણે ઘણી સારી બોલિંગ કરી હતી.’

સિડનીમાં રમાનારી ત્રીજી ટેસ્ટ મૅચના સંદર્ભમાં ઑસ્ટ્રેલિયન કોચે કહ્યું કે ‘વર્તમાન ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમમાં મોટા ભાગના પ્લેયર્સ ન્યુ સાઉથ વેલ્સના છે. તેમને સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમવું ઘણું ગમે છે. મને લાગે છે કે પછી તમે દલીલ કરશો કે સ્પિન બોલિંગ કરવી ભારત માટે લાભદાયી હતું, પણ હું ધારું છું ત્યાં સુધી અહીંની વિકેટ ઘણી સારી છે અને નૅથન લાયન જેવો દિગ્ગ્જ સ્પિનર પણ અમારી પાસે છે. મારા ખ્યાલથી ઓછે-વત્તે અંશે આ મૅચ બન્ને ટીમ માટે સરખી રહેશે. અમારા જીતવાની તક અહીં વધારે છે માટે આશા કરીએ છીએ કે અમે અહીં પણ જીતીને આગળ વધતા રહીએ.’

પિન્ક ટેસ્ટ મટે કાંગારૂઓ તૈયાર

આવતી કાલથી શરૂ થતી ‘પિન્ક’ સિડની ટેસ્ટ પહેલાં ગઈ કાલે ઑસ્ટ્રેલિયન ટીમ પિન્ક કૅપમાં સજ્જ થઈને મૅક્‍ગ્રા ફાઉન્ડેશન મીડિયા ઑપોર્ચ્યુનિટી ઇવેન્ટ દરમ્યાન. આ ટેસ્ટ દરમ્યાન ચૅરિટી ઑક્શન ઉપરાંત આ વખતે વર્ચ્યુઅલ ‘પિન્ક સીટ્સ’ કૅમ્પેન લૉન્ચ કરવામાં આવી હતી, જેના થકી ફાઉન્ડેશનને એક મિલ્યન ડૉલરનું ફન્ડ ભેગું કરવાનો ટાર્ગેટ છે.

sports sports news cricket news india australia