ઑસ્ટ્રેલિયા સામે સળંગ પાંચમી વન-ડે હારી ગઈ ભારતીય મહિલાઓ

06 December, 2024 09:21 AM IST  |  Brisbane | Gujarati Mid-day Correspondent

પહેલી વન-ડેમાં ૧૦૦ રનમાં આૅલઆઉટ થઈ ગઈ ટીમ ઇન્ડિયા, જોકે આૅસ્ટ્રેલિયાને આટલો નાનો ટાર્ગેટ ચેઝ કરતાં ૧૬.૩ ઓવર લાગી અને પાંચ વિકેટ પણ પડી ગઈ

ઑસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મેગન શટ્ટ ૧૯ રનમાં પાંચ વિકેટ લઈને પ્લેયર ઑફ ધ મૅચ બની હતી

બૉર્ડર-ગાવસકર ટ્રોફીના રોમાંચ વચ્ચે ગઈ કાલે ઑસ્ટ્રેલિયા-ભારતની વિમેન્સ ટીમ વચ્ચે ત્રણ મૅચની વન-ડે સિરીઝ શરૂ થઈ હતી. યજમાન ટીમ ઑસ્ટ્રેલિયાએ ગઈ કાલે પાંચ વિકેટે જીત મેળવીને સિરીઝમાં ૧-૦ની લીડ મેળવી લીધી છે. પહેલાં બૅટિંગ કરવાનું પસંદ કરીને ભારતીય ટીમ ૩૪.૨ ઓવરમાં ૧૦૦ રનના સ્કોરે ઑલઆઉટ થઈ ગઈ હતી. ઑસ્ટ્રેલિયન ટીમે ૧૦૧ રનના સરળ ટાર્ગેટને પણ જોકે ૧૬.૨ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો.

પહેલાં બૅટિંગ કરનાર ભારતીય ટીમમાંથી મિડલ ઑર્ડર બૅટર જેમિમા રૉડ્રિગ્સ સૌથી વધુ ૨૩ રન કરી શકી હતી. ૩૧ વર્ષની ઑસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મેગન શટ્ટ ૧૯ રનમાં પાંચ વિકેટ લઈને પ્લેયર ઑફ ધ મૅચ બની હતી. તેણે પહેલી વાર વન-ડે ઇન્ટરનૅશનલમાં એક મૅચમાં પાંચ વિકેટ લીધી હતી. નાના ટાર્ગેટનો પીછો કરતાં ઑસ્ટ્રેલિયા પણ થોડા સમય માટે નિષ્ફળ ગયું હતું, જ્યારે ઝડપી બોલર રેણુકા સિંહે (૪૫ રન આપીને ૩ વિકેટ) એક ઓવરમાં બે વિકેટ લીધી હતી. એ સિવાય ઑસ્ટ્રેલિયાને ટાર્ગેટ ચેઝ કરવામાં કોઈ મુશ્કેલી કપડી નહોતી.

ઑસ્ટ્રેલિયન ટીમે ભારતીય ટીમ સામે વન-ડે ઇન્ટરનૅશનલમાં સળંગ પાંચમી જીત મેળવી છે. આ પહેલાં જાન્યુઆરી ૨૦૨૪માં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ઑસ્ટ્રેલિયન ટીમ ભારત સામે સળંગ ત્રણ મૅચ જીતી હતી. ભારતીય ટીમ છેલ્લે ૨૦૨૧ની ૨૬ સપ્ટેમ્બરે ઑસ્ટ્રેલિયન ટીમને વન-ડેમાં હરાવી શકી હતી. સિરીઝની આગામી વન-ડે મૅચ ૮ ડિસેમ્બરે બ્રિસબેનના આ જ ઍલન બૉર્ડર ફીલ્ડ મેદાનમાં રમાશે. 

indian womens cricket team australia india cricket news sports sports news