07 July, 2026 07:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લૉર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડના ડ્રેસિંગ રૂમની બાલ્કનીમાં જીતની ઉજવણી કરતી ઑસ્ટ્રેલિયન ટીમ.
રવિવારે લૉર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ૭ વિકેટની જીત સાથે ઑસ્ટ્રેલિયાએ સાતમું વિમેન્સ T20 વર્લ્ડ કપ ટાઇટલ જીત્યું હતું. સાત-સાત વખત વન-ડે અને T20 વર્લ્ડ કપ જીતનાર ઑસ્ટ્રેલિયન વિમેન્સ ટીમ છેલ્લે ૨૦૨૩માં T20 વર્લ્ડ કપ ચૅમ્પિયન બની હતી. મેન્સ ટીમના ૧૦ ટાઇટલ સાથે ક્રિકેટ ઑસ્ટ્રેલિયા પાસે સિનિયર લેવલનાં રેકૉર્ડ ૨૪ ICC ટાઇટલ છે.
૫૩ વર્ષમાં પહેલી વખત ઇંગ્લૅન્ડ વિમેન્સ ટીમને ઘરઆંગણે ફાઇનલ મૅચમાં હાર મળી છે. અગાઉ તેઓ ૧૯૭૩, ૧૯૯૩, ૨૦૧૭નો વન-ડે વર્લ્ડ કપ અને ૨૦૦૯નો T20 વર્લ્ડ કપ ઘરઆંગણે જીત્યા હતા. ઑસ્ટ્રેલિયા સામે તેઓ સતત ચોથી વખત T20 વર્લ્ડ કપ ફાઇનલ હાર્યા છે.
૧૫૧ રનનો ટાર્ગેટ એ વિમેન્સ T20 વર્લ્ડ કપમાં મળેલો સૌથી મોટો ટાર્ગેટ હતો. વિમેન્સ T20 વર્લ્ડ કપમાં સૌથી ઝડપી ૧૭.૧ ઓવરમાં ૧૫૦ પ્લસ રનનો ટાર્ગેટ ચેઝ કરવાનો રેકૉર્ડ કરીને ઑસ્ટ્રેલિયા ચૅમ્પિયન બન્યું હતું.
બે પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ જીતનાર બેથ મૂની પહેલી પ્લેયર
વિમેન્સ T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં ઑસ્ટ્રેલિયન પ્લેયરે લાગલાગટ પાંચમી અને ઓવરઑલ છઠ્ઠી વખત પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટનો અવૉર્ડ પોતાને નામે કર્યો છે. બાકીની ૪ સીઝનમાં ઇંગ્લૅન્ડની ત્રણ અને વેસ્ટ ઇન્ડીઝની એક પ્લેયરને આ અવૉર્ડ મળ્યો છે. વર્તમાન સીઝનમાં ૨૫૯ રન કરનાર બેથ મૂની બે પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ જીતનાર પહેલી પ્લેયર બની છે. તેણે ૨૦૧૮માં પણ આ અવૉર્ડ જીત્યો હતો. T20 વર્લ્ડ કપમાં બે વખત પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ અવૉર્ડ જીતવાને મામલે તેણે વિરાટ કોહલી (૨૦૧૪ અને ૨૦૧૬)ના રેકૉર્ડની બરાબરી છે. મેન્સ કે વિમેન્સ T20 વર્લ્ડ કપ ફાઇનલમાં ત્રણ ફિફ્ટી નોંધાવનાર તે પહેલી બૅટર બની છે.
ફુટબૉલ વર્લ્ડ કપ રમી ચૂકેલી ઑલરાઉન્ડર એલિસ પેરીએ રેકૉર્ડ નવમું ટાઇટલ જીતીને ભારતની બરાબરી કરી
વિશ્વની સૌથી સુંદર મહિલા ક્રિકેટર ગણાતી ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર એલિસ પેરીએ રેકૉર્ડ નવમી વખત ICC ટાઇટલ જીત્યું છે. મેન્સ અને વિમેન્સ ક્રિકેટમાં સૌથી વધુ ICC ટાઇટલ જીતવા મામલે તેણે ઑસ્ટ્રેલિયાની ભૂતપૂર્વ કૅપ્ટન્સ એલિસા હીલી (૮ વખત) અને મેગ લૅનિંગ (૭ વખત)ને પાછળ છોડ્યાં છે. ૩૫ વર્ષની એલિસ પેરી ૭ T20 વર્લ્ડ કપ અને બે વન-ડે વર્લ્ડ કપ જીતી ચૂકી છે. ક્રિકેટ કરીઅરમાં તેણે કૉમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ સહિત વિમેન્સ પ્રીમિયર લીગ, વિમેન્સ બિગ બૅશ લીગ અને ધ હન્ડ્રેડ ટુર્નામેન્ટનાં ટાઇટલ પણ જીત્યાં છે. ૨૦૧૧માં એલિસ પેરી ઑસ્ટ્રેલિયા માટે વિમેન્સ ફુટબૉલ વર્લ્ડ કપ પણ રમી ચૂકી છે.
૧૫ મહિનાના દીકરાને લઈને નૅશનલ ઍન્થમ માટે પહોંચી હતી ઇંગ્લિશ કૅપ્ટન નૅટ સિવર-બ્રન્ટ
લૉર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ફાઇનલ મૅચ પહેલાં નૅશનલ ઍન્થમ સમયે અનોખાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. નૅશનલ ઍન્થમ સમયે ઇંગ્લૅન્ડની કૅપ્ટન નૅટ સિવર-બ્રન્ટ પોતાના ૧૫ મહિનાના દીકરા થિયોને ઍન્થમ-બૉય તરીકે લઈને આવી હતી. ૩૩ વર્ષની ફાસ્ટ બોલિંગ ઑલરાઉન્ડર નેટ સિવર-બ્રન્ટ ઇમોશનલ થઈને કહે છે, ‘હું કદાચ ઘરઆંગણે બીજા કોઈ વર્લ્ડ કપમાં નહીં રમી શકું તેથી થિયોને સાથે લાવવાની તક ખરેખર ખાસ હતી. જોકે હું નથી ઇચ્છતી કે આ મારો છેલ્લો વર્લ્ડ કપ હોય.’
300
ઇંગ્લૅન્ડની ડેની વાયટ-હૉજ (૩૦૨ રન) એક વિમેન્સ T20 વર્લ્ડ કપ સીઝનમાં આટલા રન કરનાર પહેલી બૅટર બની.
14
ભારતીય સ્પિનર શ્રી ચરણી આ વર્લ્ડ કપમાં આટલી વિકેટ સાથે સૌથી સફળ બોલર રહી.
22
આટલા કરોડ રૂપિયા મળ્યા ચૅમ્પિયન ટીમ ઑસ્ટ્રેલિયાને
11
આટલા કરોડ રૂપિયા મળ્યા રનર-અપ ટીમ ઇંગ્લૅન્ડને
આ ટુર્નામેન્ટે યાદ અપાવ્યું કે મહિલા ક્રિકેટ જોવું શા માટે જરૂરી છે. શરૂઆતથી અંત સુધી તાકાત, જુસ્સો અને શાનદાર ગેમપ્લે જોયાં. મહિલા ક્રિકેટ એના સુવર્ણ યુગમાં છે.
- ICC ચૅરમૅન જય શાહ