ઑસ્ટ્રેલિયાના બોલર્સ સામે માત્ર ચંદરપૉલ-જુનિયરનું ફાઇટબૅક

10 December, 2022 11:35 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે બીજા દિવસે ઑસ્ટ્રેલિયાએ પ્રથમ દાવ ૫૧૧/૭ના સ્કોરે ડિક્લેર કર્યા

તેજનારાયણ ચંદરપૉલ

ઍડીલેડમાં પિન્ક બૉલ ડે ઍન્ડ નાઇટ ટેસ્ટમાં ગઈ કાલે બીજા દિવસે ઑસ્ટ્રેલિયાએ પ્રથમ દાવ ૫૧૧/૭ના સ્કોરે ડિક્લેર કર્યા બાદ કૅરિબિયન ટીમના ટૉપ-ઑર્ડરમાં એકમાત્ર તેજનારાયણ ચંદરપૉલના ફાઇટબૅકને બાદ કરતાં બીજા બધા બૅટર્સ સસ્તામાં આઉટ થઈ ગયા હતા. રમત બંધ રહી ત્યારે વેસ્ટ ઇન્ડીઝનો સ્કોર ૪ વિકેટે ૧૦૨ રન હતો અને કાંગારૂઓથી તેઓ હજી ૪૦૯ રન પાછળ હતા.

૧૯૯૪થી ૨૦૧૫ સુધીની કરીઅરમાં ભલભલી ટીમને ભારે પડેલા શિવનારાયણ ચંદરપૉલનો ૨૬ વર્ષનો પુત્ર તેજનારાયણ ચંદરપૉલ (૪૭ નૉટઆઉટ, ૯૮ બૉલ, એક સિક્સર, ત્રણ ફોર) ઑસ્ટ્રેલિયાના પાંચેપાંચ બોલર્સ સામે ઝૂક્યો નહોતો. તે વનડાઉન આવ્યો હતો અને તેની સાથે ઍન્ડરસન ફિલિપ (૧ રન) દાવમાં હતો. કૅપ્ટન-ઓપનર ક્રેગ બ્રેથવેઇટ ૧૯ રન, શમાર બ્રુક્સ ૮ રન, જર્મેઇન બ્લૅકવુડ ૩ રન અને ડેવોન થૉમસ ૧૯ રન બનાવીને આઉટ થઈ ગયા હતા. પેસ બોલર માઇકલ નેસરને સૌથી વધુ બે વિકેટ અને નૅથન લાયન તથા કૅમેરન ગ્રીનને એક-એક વિકેટ મળી હતી.

મિચલ સ્ટાર્ક અને સ્કૉટ બોલૅન્ડ વિકેટ નહોતા લઈ શક્યા.

sports sports news cricket news australia west indies test cricket