અય્યર કા આગાઝ: શ્રેયસે ધમાકેદાર ઇનિંગ રમીને ટીમને 6 વિકેટે અપાવ્યો વિજય

25 January, 2020 02:01 PM IST  |  Auckland

અય્યર કા આગાઝ: શ્રેયસે ધમાકેદાર ઇનિંગ રમીને ટીમને 6 વિકેટે અપાવ્યો વિજય

શ્રેયસ અય્યર

ન્યુ ઝીલૅન્ડની ધરતી પર ગઈ કાલે ઇન્ડિયાએ પહેલી ટી૨૦ ૬ વિકેટે જીતી લીધી હતી. વર્લ્ડ કપમાં મળેલી હાર બાદ ન્યુ ઝીલૅન્ડ પર શ્રેયસ અય્યર ભારે પડ્યો હતો. પાંચ ટી૨૦ની સિરીઝમાં ઇન્ડિયા ૧-૦થી આગળ છે.

ન્યુ ઝીલૅન્ડે આપેલા ૨૦૪ રનના લક્ષ્યને પ્રાપ્ત કરવા ઊતરેલી ટીમ ઇન્ડિયાનો હિટમૅન રોહિત શર્મા માત્ર ૭ કરીને આઉટ થયો હતો. વન-ડાઉન આવેલા વિરાટ કોહલી સાથે મળીને લોકેશ રાહુલે બીજી વિકેટ માટે ૯૯ રનની પાર્ટનરશિપ કરી હતી. રાહુલે ૨૭ બૉલમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી ૫૬ રન બનાવ્યા હતા. તે આઉટ થયા પછીની ઓવરમાં કોહલી પણ પૅવિલિયનભેગો થઈ ગયો હતો અને પોતાની હાફ સેન્ચુરી પાંચ રનથી ચૂકી ગયો હતો. જોકે આ બન્ને સેટ થયેલા પ્લેયરો બાદ શ્રેયસ અય્યર અને શિવમ દુબેએ ટીમની પારી સંભાળ‍વાનો પ્રયાસ કર્યો હતો, પણ શિવમ ૧૩ રને આઉટ થયો હતો. પછીથી આવેલા મનીષ પાંડેએ શ્રેયસનો સાથ આપ્યો હતો અને મૅચને છેલ્લે સુધી લઈ ગયો હતો. શ્રેયસે ૨૯ બૉલમાં પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકારીને નૉટઆઉટ ૫૮ રન બનાવ્યા હતા જેને લીધે તેને પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરાયો હતો.

ટૉસ જીતીને કોહલીએ યજમાન ટીમને પહેલાં બૅટિંગનું આમંત્રણ આપ્યું હતું અને ન્યુ ઝીલૅન્ડ ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૨૦૩ રન બનાવી શકી હતી. કોલિન મુનરો અને કેન વિલિયમસન અનુક્રમે ૫૯ અને ૫૧ રન કરીને આઉટ થયા હતા. ચોથા ક્રમે આવેલા કોલિન ડી ગ્રૅન્ડહોમે વગર ખાતું ખોલે પૅવિલિયનભેગું થવું પડ્યું હતું. રૉસ ટેલરે જબરદસ્ત ઇનિંગ રમતાં ૨૭ બૉલમાં ત્રણ બાઉન્ડરી અને ત્રણ સિક્સર ફટકારીને નૉટઆઉટ ૫૪ રન બનાવ્યા હતા. પહેલી ટી૨૦માં ઇન્ડિયાએ પોતાના ૬ બોલરોને બોલિંગ કરવા ઉતાર્યા હતા. જસપ્રીત બુમરાહ, શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, શિવમ દુબે અને રવીન્દ્ર જાડેજાને એક-એક વિકેટ મળી હતી, જ્યારે મોહમ્મદ શમી એક પણ વિકેટ મેળવી શક્યો નહોતો. બન્ને ટીમ વચ્ચે બીજી મૅચ આવતી કાલે રમાશે.

ત્યાં ઘણીબધી પૉઝિટિવિટી હતી. વાસ્તવમાં અહીં ડિફેન્ડ કરવું અઘરું છે અને અહીં થોડી ઝાકળ પણ છે. અમને ખબર હતી કે અમારે આ સર્ફેસ પર ૨૦૦થી વધારે સ્કોર કરવાનો છે છતાં જીતવાનું સંપૂર્ણ શ્રેય ટીમ ઇન્ડિયાને જાય છે. આગામી ગેમમાં અમે દરેક ડિપાર્ટમેન્ટમાં સુધારા કરીને ઊતરીશું.
- કેન વિલિયમસન

વિકેટકીપિંગ કરીને થોડી જવબાદારી વધી જાય છે, પણ મને આ નવી જવાબદારી ગમે છે. ઇન્ટરનૅશનલ લેવલ પર મારા માટે આ નવું છે, પરંતુ આઇપીએલથી માંડીને ફર્સ્ટ ક્લાસ ટીમમાં હું આ જવાબદારી નિભાવતો આવ્યો છું. સાથે-સાથે એક ઓપનર તરીકે રમવાનો વારો આવે છે. ટૂંકમાં, આનાથી હું મારી વિકેટકીપિંગ સ્કિલ સાથે જોડાયેલો રહી શકું છું.
- લોકેશ રાહુલ

shreyas iyer kl rahul virat kohli india new zealand cricket news sports news