સીએસકેના વિજય પરથી અમે શીખી લાવ્યા હતા જીતનો મંત્ર : શનાકા

14 September, 2022 12:37 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ધોનીની ટીમે જે રીતે ૨૦૨૧ની ફાઇનલ જીતી એની વિડિયો-ક્લિપ્સ જોઈને અમે રવિવારે પ્લાન્સ બનાવ્યા હતા, જેમાં અમે જબરદસ્ત સફળતા મેળવી હતી.’

ઐતિહાસિક ટ્રોફી જીતી લાવ્યા બાદ પત્ની શેવાન્તી તેમ જ પેરન્ટ્સ સાથે દાસુન શનાકા.

રવિવારે દુબઈમાં શ્રીલંકાએ પહેલી વાર ટી૨૦ એશિયા કપમાં વિજય મેળવ્યો એનું ઘણું શ્રેય કૅપ્ટન દાસુન શનાકાને આપવામાં આવી રહ્યું છે એનું કારણ એ છે કે તેણે સમજબૂઝથી અને સમયસર યોગ્ય નિર્ણય લઈને પોતાની ટીમના ખેલાડીઓને સામાન્ય સ્તરના પ્લેયર્સમાંથી સુપરસ્ટાર બનવામાં ઘણી મદદ કરી હતી. પાકિસ્તાન સામે અણનમ ૭૧ રન બનાવનાર મૅન ઑફ ધ ફાઇનલ ભાનુકા રાજાપક્સા અને ફાઇનલમાં ૩૬ રન બનાવવા ઉપરાંત ત્રણ વિકેટ લેનાર સ્પિનર વનિન્દુ હસરંગા હોય કે પછી ૩૪ રનમાં ચાર વિકેટ લેનાર પેસ બોલર પ્રમોદ લિયાનાગમાગે હોય, સૌથી વધુ વાહ-વાહ કૅપ્ટન શનાકાની થઈ રહી છે.

જોકે શનાકાએ આ ઐતિહાસિક જીત માટે ૨૦૨૧માં યુએઈમાં મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે આઇપીએલની ટ્રોફી જીતનાર મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વવાળી ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)ના શાનદાર ફાઇનલ-વિજય પરથી બોધ લીધો હતો અને એ શીખ તેણે રવિવારે બાબર આઝમ ઍન્ડ કંપની સામે કામે લગાડીને જીત હાંસલ કરી હતી. શનાકાએ કહ્યું છે કે ‘યુએઈમાં સામાન્ય રીતે ડે/નાઇટ મૅચમાં ટૉસ જીતનાર કૅપ્ટન ફીલ્ડિંગ પસંદ કરે છે. એનું કારણ એ હોય છે કે પછીથી ફીલ્ડિંગ કરનાર ટીમના બોલર્સને ઝાકળ પડવાને કારણે બૉલ પર ગ્રિપ મેળવવામાં મુશ્કેલી પડતી હોય છે. પાકિસ્તાને પણ રવિવારે ફીલ્ડિંગ પસંદ કરીને અમને પહેલાં બૅટિંગનું આમંત્રણ આપ્યું હતું. ૨૦૨૧ની આઇપીએલની કલકત્તા સામેની ફાઇનલમાં ધોનીની ટીમે પહેલાં બૅટિંગ કરવી પડી હોવા છતાં તેણે (ધોનીની ટીમે) ફાઇનલ સાથે ચોથું ટાઇટલ જીતી લીધું હતું. અમારા ખેલાડીઓ દુબઈના હવામાન અને બીજી પરિસ્થિતિથી સારી રીતે વાકેફ હતા. ધોનીની ટીમે જે રીતે ૨૦૨૧ની ફાઇનલ જીતી એની વિડિયો-ક્લિપ્સ જોઈને અમે રવિવારે પ્લાન્સ બનાવ્યા હતા, જેમાં અમે જબરદસ્ત સફળતા મેળવી હતી.’

sports sports news mahendra singh dhoni chennai super kings asia cup cricket news