30 July, 2023 02:14 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ટૉડ મરફી
લંડનના ઓવલમાં યજમાન ઇંગ્લૅન્ડે ગઈ કાલે ઑસ્ટ્રેલિયા સામેની છેલ્લી ઍશિઝ ટેસ્ટમાં ત્રીજા દિવસે ટી-ટાઇમ પછી ૭૦મી ઓવરમાં સ્કોરને ૩૫૦ રનને પાર લઈ જવાની સાથે મૅચ પરની પકડ વધુ મજબૂત કરી હતી. એ વખતે પાંચ વિકેટ પડી ચૂકી હતી, પરંતુ લૉર્ડ્સની બીજી ટેસ્ટમાં વિકેટકીપર ઍલેક્સ કૅરીએ પોતાને જે રીતે વિવાદાસ્પદ સંજોગોમાં રનઆઉટ કર્યો હતો એનો જૉની બેરસ્ટૉ જાણે હજી પણ બદલો લેવાના મૂડમાં હોય એ રીતે રમી રહ્યો છે.
ગઈ કાલે ટીમના ૩૫૦-પ્લસના સ્કોર વખતે તે ૯૭ બૉલમાં ૧૧ ફોરની મદદથી ૭૭ રન ફટકારી ચૂક્યો હતો અને રમી રહ્યો હતો. ઇંગ્લૅન્ડના ૧૨ રનની લીડ બાદ કરીને ૩૪૦-પ્લસ રન બની ચૂક્યા હતા અને બ્રિટિશરો ચોથી ઇનિંગ્સમાં ઑસ્ટ્રેલિયાને તોતિંગ લક્ષ્યાંક આપવાની દિશામાં આગળ વધી રહ્યા હતા. ઑસ્ટ્રેલિયા ૨-૧થી આગળ છે, પણ હવે બેન સ્ટોક્સની ટીમ ૨-૨ની બરાબરીમાં થઈ જશે તો નવાઈ નહીં લાગે.
જો રૂટ (૯૧ રન, ૧૦૬ બૉલ, એક સિક્સર, અગિયાર ફોર) ફક્ત ૯ રન માટે ૩૧મી સેન્ચુરી ચૂકી ગયો હતો. જોકે ઇંગ્લૅન્ડને વિજયની દિશામાં તો તેણે મોકલ્યું જ હતું. તેને ઑફ-સ્પિનર ટૉડ મરફીએ ક્લીન બોલ્ડ કર્યો હતો.