20 August, 2025 09:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સૂર્યકુમાર યાદવ, અંબાતી રાયુડુ
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અંબાતી રાયુડુએ એક પૉડકાસ્ટમાં મોટો ધડાકો કર્યો છે. બાર્બેડોઝમાં રમાયેલી T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં સૂર્યકુમાર યાદવે લૉન્ગ ઑનની બાઉન્ડરી પર રોમાંચક કૅચ પકડીને અંતિમ ઓવરમાં ભારતની વાપસી કરાવી આપેલી એના વિશેનો આ ધડાકો છે.
૩૯ વર્ષનો ક્રિકેટ-કૉમેન્ટેટર રાયુડુ કહે છે, ‘બ્રેક દરમ્યાન બ્રૉડકાસ્ટિંગ ટીમે મેદાન પર અન્ય ક્રિકેટ-કૉમેન્ટેટર્સની લાઇવ ચર્ચા માટે ખુરસી અને સ્ક્રીન મૂકી હતી. આ દરમ્યાન ટીમે ખુરસી અને સ્ક્રીન મૂકવા માટે બાઉન્ડરીને પાછળ ધકેલી દીધી હતી. પછી એ જેમ હતું એમ છોડી દેવામાં આવ્યું, જેના કારણે આપણી ટીમ માટે એ જગ્યાની બાઉન્ડરી લાઇન થોડી મોટી થઈ ગઈ હતી. અમે કૉમેન્ટરી-બૉક્સમાંથી ઉપરથી એ જોઈ શકતા હતા. પહેલાંની પરિસ્થિતિમાં એ સિક્સ હોત કે નહીં એ મને નથી ખબર, પણ એ સૂર્યાનો શાનદાર અને ક્લીન કૅચ હતો. અંતે ભગવાન આપણી સાથે હતા.’
સૂર્યકુમાર યાદવે સાઉથ આફ્રિકાના ધુરંધર બૅટર ડેવિડ મિલરના પકડેલા એ કૅચને કારણે ભારતને ૨૦૦૭ બાદ પહેલી વાર T20 વર્લ્ડ કપ ટ્રોફી મળી હતી.