ઇંગ્લૅન્ડને ઘરઆંગણે હરાવવું સરળ નથી: કુક

23 June, 2021 08:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભૂતપૂર્વ કૅપ્ટનના મતે ખોટી રોટેશનની નીતિને કારણે રુટને શ્રેષ્ઠ પ્લેઇંગ ઇલેવન નથી મળી રહી

ઍલસ્ટર કુક

ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન અને દિગ્ગજ બૅટ્સમૅન ઍલસ્ટર કુકના મતે ભારતીય ટીમ માટે યજમાન ઇંગ્લૅન્ડને પાંચ મૅચોની સિરીઝમાં હરાવવું સરળ નથી. આ લાંબા પ્રવાસના અંતે તેઓ માનસિક રીતે ઘણા થાકી જશે. હાલમાં ભારતીય ટીમ ન્યુ ઝીલૅન્ડ સામે ટેસ્ટ ચૅમ્પિયનશિપ રમી રહી છે. ત્યાર બાદ ચાર ઑગસ્ટથી ઇંગ્લૅન્ડ સામે પાંચ મૅચોની ટેસ્ટ સિરીઝ રમશે. કુકે કહ્યું કે ‘ભારતીય ટીમની શરૂઆત સારી હશે, પરંતુ સતત પાંચ મૅચોમાં ઉત્સાહને ટકાવી રાખવો સરળ નહીં હોય. ઇંગ્લૅન્ડને ઇંગ્લૅન્ડમાં હરાવવું ઘણું મુશ્કેલ છે. મને લાગે છે કે શરૂઆતમાં ધીરજથી કામ લેશે તો ઇંગ્લૅન્ડ આ સિરીઝ જીતી શકે છે.’

ઇંગ્લૅન્ડ ભારત સામેની સિરીઝ ૩-૧થી હારી હતી. ત્યાર બાદ ન્યુ ઝીલૅન્ડે પણ એને ઘરઆંગણે બે મૅચોની સિરીઝમાં ૧-૦થી હરાવ્યું. આ મામલે કુકે કહ્યું કે ‘ખોટી રોટેશન નીતિનો ગેરલાભ ઇંગ્લૅન્ડ ભોગવી રહ્યું છે, જેને કારણે કૅપ્ટન જો રૂટને એની શ્રેષ્ઠ પ્લેઇંગ ઇલેવન નથી મળી રહી.’

સ્ટોક્સની થશે વાપસી 

ઈજાને કારણે લાંબા સમયથી ક્રિકેટથી દૂર રહેલા બેન સ્ટોક્સની ક્રિકેટમાં વાપસી થઈ રહી છે. તે ૮ જુલાઈથી પાકિસ્તાન સામેની વન-ડેમાં રમશે. સ્ટોક્સ ટી૨૦ બ્લાસ્ટ ટુર્નામેન્ટમાં ડર્હમ તરફથી રમતો જોવા મળશે.

sports sports news cricket news england