કોરોનાથી ત્રસ્ત અમદાવાદીઓને ફેબ્રુઆરી-માર્ચમાં મળશે ક્રિકેટ-વૅક્સિન

11 December, 2020 02:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કોરોનાથી ત્રસ્ત અમદાવાદીઓને ફેબ્રુઆરી-માર્ચમાં મળશે ક્રિકેટ-વૅક્સિન

નમસ્તે ઇંગ્લૅન્ડ: અમદાવાદના મોટેરામાં આવેલા સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમમાં જાન્યુઆરીમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પનું ભાવભર્યું સ્વાગત કર્યા બાદ હવે આગામી ફેબ્રુઆરીમાં ક્રિકેટના જનક ઇંગ્લૅન્ડની ટીમ સામે ડે-નાઇટ સહિત બે ટેસ્ટ અને પાંચ ટી૨૦ની ટક્કર માણવા મળશે.

ભારતીય ક્રિકેટ બોર્ડે ગઈ કાલે ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેની ક્રિકેટ સિરીઝનો શેડ્યુલ જાહેર કરી દીધો હતો. બંને દેશો વચ્ચે ચાર ટેસ્ટ, પાંચ ટી૨૦ અને ત્રણ વન-ડે મૅચની સિરીઝ રમાશે. આ ત્રણેય સિરીઝ માટે અમદાવાદ, ચેન્નઈ અને પુણેના સ્ટેડિયમ પસંદ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે કોરોનાની પરિસ્થિતિને લીધે ઇંગ્લૅન્ડની ટૂર માત્ર ત્રણ શહેર પૂરતી સિમીત રાખવામાં આવી છે. આ સાથે આ વર્ષ માર્ચમાં સાઉથ આફ્રિકા ટીમ કોરોનાને લીધે સ્વદેશ રવાના થયા બાદ ૧૧ મહિને ફરી દેશમાં ઇન્ટરનૅશનલ ક્રિકેટનું પુનરાગમન થશે.

આ સિરીઝની સૌથી રોમાંચક ડે-નાઇટ ટેસ્ટ અને પાંચ ટી૨૦ના યજમાન બનવાનો મોકો ક્રિકેટ બોર્ડના સેક્રેટરી જય શાહના શહેર અમદાવાદને મળ્યો છે, જ્યાં બધી મૅચો નવનિર્માણ થયેલા અને વિશ્વના સૌથી વધુ ૧,૧૦,૦૦૦ની કૅપેસિટીવાળા મોટેરાના સરદાર વલ્લભભાઈ પટેલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

પ્રથમ બે ટેસ્ટ ચેન્નઈમાં રમાયા બાદ ઇંગ્લીશ ટીમ અમદાવાદ આવી જશે, ત્યાં ડે-નાઇટ ટેસ્ટ બાદ ચોથી અને છેલ્લી ટેસ્ટ રમાશે. ટેસ્ટ સિરીઝ બાદ પાંચેય ટી૨૦ પણ એ જ મેદાનમાં રમાશે.

આ સિરીઝમાં પ્રેક્ષકોના પ્રવેશ અંગે કોઈ સ્પષ્ટતા કરવાના નથી આવી.

સેકન્ડ પિન્ક બૉલ ટેસ્ટ

ક્રિકેટ બોર્ડના સેક્રેટરી જય શાહે ગઈ કાલે જણાવ્યું હતું કે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરમાં ડે-નાઇટ ટેસ્ટ મૅચ રમાડવામાં આવશે. આ મૅચ ભારતની ઘરઆંગણે બીજી પિન્ક બૉલ ટેસ્ટ મૅચ હશે. આ પહેલાં ભારતે પોતાની પહેલી પિન્ક બૉલ ટેસ્ટ મૅચ બંગલા દેશ સામે કલકત્તાના ઇડન ગાર્ડન ખાતે ગયા વર્ષે રમી હતી. પાંચમી ફેબ્રુઆરીથી શરૂ થનારી પહેલી ટેસ્ટ મૅચ ચેન્નઈ ખાતે રમાશે, જ્યારે બીજી ટેસ્ટ મૅચ પણ ચેન્નઈ ખાતે જ રમાશે જે ૧૩ ફેબ્રુઆરીથી શરૂ થશે. ત્યાર બાદ અંતિમ બે ટેસ્ટ મૅચની યજમાની અમદાવાદનું મોટેરા સ્ટેડિયમ કરશે. જેના બાદ ત્રણ વન-ડે મૅચની સિરીઝ પુણે ખાતે યોજવામાં આવશે.

શું કહ્યું ઈસીબીના સીઈઓએ?

ઇંગ્લૅન્ડ ઍન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઈસીબી)ના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર ટૉમ હેરિસને કહ્યું કે ‘બીસીસીઆઇ દ્વારા કોરોનાને ધ્યાનમાં રાખી માત્ર ત્રણ શહેર ચેન્નઈ, અમદાવાદ અને પુણે પૂરતી જે યોજના ઘડવામાં આવી છે એ કાબિલે તારીફ છે. આ તમામ શહેર બાયો સિક્યૉર વાતાવરણમાં ઇન્ટરનૅશનલ ક્રિકેટનું આયોજન કરવા માટે તૈયારી કરી રહ્યા છે. અમદાવાદના પ્રસિદ્ધ સરદાર પટેલ સ્ટેડિયમમાં પહેલી ઇન્ટરનૅશનલ ક્રિકેટ રમાવાની હોવાને લીધે અમારા પ્રવાસમાં વધારાનું એક અલગ પાસું ઉમેરાશે અને હું જાણું છું કે બંને દેશના પ્લેયર્સ અને મૅનેજમેન્ટ માટે આ ઘણી ખાસ અને સ્પેશ્યલ બાબત બની રહેશે.’

ટી૨૦ સિરીઝ

ક્રમ         તારીખ           સ્ટેડિયમ

પહેલી      માર્ચ ૧૨         અમદાવાદ

બીજી       માર્ચ ૧૪         અમદાવાદ

ત્રીજી       માર્ચ ૧૬         અમદાવાદ

ચોથી       માર્ચ ૧૮         અમદાવાદ

પાંચમી     માર્ચ ૨૦         અમદાવાદ

વન-ડે સિરીઝ

ક્રમ         તારીખ           સ્ટેડિયમ

પહેલી      માર્ચ ૨૩         પુણે

બીજી       માર્ચ ૨૬         પુણે

ત્રીજી       માર્ચ ૨૮         પુણે

ટેસ્ટ સિરીઝ

ક્રમ         તારીખ           સ્ટેડિયમ

પહેલી      ફેબ્રુઆરી ૫-૯    ચેન્નઈ

બીજી       ફેબ્રુઆરી ૧૩-૧૭ ચેન્નઈ

ત્રીજી       ફેબ્રુઆરી ૨૪-૨૮ અમદાવાદ

ચોથી       માર્ચ ૪-૮        અમદાવાદ

૮૦૦ કરોડના ખર્ચે થયું છે નવનિર્માણ

૧.૧૦ લાખ પ્રેક્ષકોની કૅપેસિટીવાલા આ મોટેરાના સરદાર વલ્લભભાઈ પટેલ ક્રિકેટ સ્ટેડિયમમાં નવનિર્માણ પાછળ આશરે ૮૦૦ કરોડનો ખર્ચ થયો છે. આ સ્ટેડિયમની ખાસિયતોમાં એમાં ચાર લોકર રૂમ છે, જે આઇપીએલની ડબલ હેડર (એક દિવસમાં બે મૅચ)ને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે. મુખ્ય ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપરાંત બે નાના ગ્રાઉન્ડ પણ છે. સ્ટેડિયમમાં કુલ ૧૧ ક્રિકેટ પીચ છે. સ્ટેડિયમમાં કુલ ૭૫ કૉર્પોરેટ બૉક્સ છે. એક કૉર્પોરેટ બૉક્સની ક્ષમતા ૨૫ લોકોની છે. પાર્કિંગના મામલે પણ અદભુત સગવડ છે. ૧૦,૦૦૦ ટૂ-વ્હીલર અને ૩૦૦૦ કાર આ સ્ટેડિયમમાં પાર્ક થઈ શકે છે. સ્ટેડિયમમાં ક્લબ હાઉસ છે જેમાં ૫૫ રૂમો છે. ઉપરાંત સ્ટેડિયમમાં ઇનડોર અને આઉટડોર સ્પોર્ટ્સ ફેસિલિટી, રેસ્ટોરાં, ઑલિમ્પિક સાઇઝ સ્વિમિંગ પૂલ, જિમ અને પાર્ટી એરિયા પણ છે.

board of control for cricket in india cricket news england india t20 international ahmedabad