અમદાવાદના બોલર ચિંતન ગજાના થ્રોમાં વેન્કટેશને માથામાં ઈજા

17 September, 2022 05:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દુલીપ ટ્રોફીની મૅચમાં ઈજા બાદ ઐયર પાછો રમવા આવ્યો : વેસ્ટ ઝોનના લીડ સહિત ૨૫૯, સાત વિકેટ પડવાની બાકી

અમદાવાદના બોલર ચિંતન ગજાના થ્રોમાં વેન્કટેશને માથામાં ઈજા

કોઇમ્બતુરમાં ગઈ કાલે દુલીપ ટ્રોફીની ચાર-દિવસીય સેમી ફાઇનલમાં બીજા દિવસે સેન્ટ્રલ ઝોનનો બૅટર વેન્કટેશ ઐયર બૅટિંગમાં હતો ત્યારે એક તબક્કે તેને વેસ્ટ ઝોનના ફાસ્ટ બોલર ચિંતન ગજાના થ્રોમાં માથામાં બૉલ વાગ્યો હતો. આ ઘટના બનતાં ગ્રાઉન્ડ પર ઍમ્બ્યુલન્સ બોલાવાઈ હતી અને વેન્કટેશને સારવાર માટે લઈ જવાયો હતો.

ભારત વતી રમી ચૂકેલા વેન્કટેશે ગજાના બૉલમાં છગ્ગો ફટકારીને ખાતું ખોલાવ્યું ત્યાર પછી તેના બીજા બૉલને તેણે તેની જ તરફ મોકલ્યો ત્યારે ગજાએ ફૉલો-થ્રૂમાંથી તેને રનઆઉટ કરવા માટે સામો થ્રો કર્યો હતો. જોકે એમાં બૉલ ભૂલથી વેન્કટેશને માથામાં વાગ્યો હતો અને તે નીચે પટકાયો હતો. ઍમ્બ્યુલન્સમાંથી સ્ટ્રેચર લઈ આવવામાં આવ્યું હતું, પરંતુ વેન્કટેશ ચાલીને પૅવિલિયનમાં ગયો હતો અને થોડી વાર બાદ પાછો બૅટિંગ કરવા આવ્યો હતો. જોકે ૧૪ રનના પોતાના સ્કોર પર તે તનુષ કોટિયનના બૉલમાં વિકેટકીપર હેત પટેલના હાથમાં કૅચઆઉટ થયો હતો. ૯ બૉલની ઇનિંગ્સમાં તેણે જે ૧૪ રન બનાવેલા એમાં એક સિક્સર ઉપરાંત બે ફોર પણ સામેલ હતી.

ગઈ કાલે વેસ્ટ ઝોનના ૨૫૭ રનના જવાબમાં સેન્ટ્રલ ઝોનની ટીમ જયદેવ ઉનડકટ તથા કોટિયનની ત્રણ-ત્રણ વિકેટ અને અતીત શેઠે બે અને ગજા તેમ જ મુલાનીની એક-એક વિકેટને કારણે ફક્ત ૧૨૮ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. બીજા દાવમાં પૃથ્વી શૉના અણનમ ૧૦૪ રનની મદદથી વેસ્ટ ઝોને ૩ વિકેટે ૧૩૦ રન બનાવ્યા હતા અને લીડ સહિત એના ૨૫૯ રન હતા.
બીજી સેમીમાં સાઉથ ઝોનના ૬૩૦/૮ ડિક્લેર્ડના જવાબમાં નૉર્થ ઝોનના વિના વિકેટે ૧૯ રન હતા.

sports news sports cricket news ahmedabad