વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં ઇન્ડિયા ફરી નંબર-વન

20 January, 2021 10:34 AM IST  |  Brisbane | Gujarati Mid-day Correspondent

વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં ઇન્ડિયા ફરી નંબર-વન

વિરાટ કોહલી

બોર્ડર-ગાવસકર ટ્રોફીની ચોથી અને અંતિમ મૅચમાં ગઈ કાલે ભારતે ઑસ્ટ્રેલિયાને ત્રણ વિકેટે માત આપીને મૅચ અને સિરીઝ કબજે કરી લીધી હતી. આ જીતનો ફાયદો ટીમ ઇન્ડિયાને આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપના રૅન્કિંગ્સમાં થયો હતો. ટીમ ઇન્ડિયા આ રૅન્કિંગ્સમાં ઑસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલૅન્ડને પાછળ મૂકીને પહેલા ક્રમે પહોંચી ગઈ છે. શુભમન ગિલ, ચેતેશ્વર પૂપુરા અને રિષભ પંતે કરેલી કમાલને લીધે ભારતે ૩૨૮ રનનો ટાર્ગેટ પ્રાપ્ત કરીને સિરીઝ જીતી લીધી હતી.

આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપના રૅન્કિંગ્સમાં ભારત ૪૩૦ પૉઇન્ટ્સ અને ૭૧.૭૦ની ઍવરેજ સાથે નંબર-વન પર છે. વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં ભારત પાંચ સિરીઝમાં ૯ મૅચ જીત્યું છે જ્યારે ત્રણ મૅચ ગુમાવી અને એક મૅચ ડ્રૉ કરી છે. ૪૨૦ પૉઇન્ટ્સ અને ૭૦ની ઍવરેજ સાથે ન્યુ ઝીલૅન્ડ બીજા સથાને પહોંચી ગયું છે, જ્યારે ઑસ્ટ્રેલિયાએ આ સિરીઝ ગુમાવતાં એણે ત્રીજા સ્થાને જવું પડ્યું છે. તેમના ખાતામાં ૩૩૨ પૉઇન્ટ્સ અને ૬૯.૨ની ઍવરેજ જમા  છે.

ગઈ કાલે મૅચ સમાપ્ત થયા બાદ આઇસીસીએ આ નવી યાદી બહાર પાડી હતી. ઉલ્લેખનીય છે કે આવતા મહિનાથી ભારત ઘરઆંગણે ઇંગ્લૅન્ડ સાથે બાથ ભીડશે જેમાં રમાનારી ટેસ્ટ સિરીઝમાં જો ભારત ૨-૦થી ઇંગ્લૅન્ડને પછડાટ આપે તો એ સીધું વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપનની ફાઇનલમાં પ્રવેશ કરી લેશે.

sports sports news cricket news india test cricket