મોહમ્મદ સિરાજ પર ફરી રંગભેદી કમેન્ટ

11 January, 2021 12:31 PM IST  |  Sydney | Gujarati Mid-day Correspondent

મોહમ્મદ સિરાજ પર ફરી રંગભેદી કમેન્ટ

મોહમ્મદ સિરાજે રંગભેદની ફરિયાદ કર્યા બાદ સિડની પોલીસ કેટલાક દર્શકો સાથે વાત કરતી જોવા મળી હતી. (તસવીર: પી.ટી.આઇ.)

ઇન્ડિયા-ઑસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ મૅચના ચોથા દિવસે ફરી એક વાર મોહમ્મદ સિરાજ પર કેટલાક દર્શકોએ રંગભેદી ટિપ્પણી કરી હતી, જેમાં તેને કાળો કૂતરો અને વાંદરો કહેતા હતા. ત્યાર બાદ સિરાજે અમ્પાયરને ફરિયાદ કરતાં મૅચ ૧૦ મિનિટ માટે અટકાવવામાં આવી હતી. અમ્પાયરને આ વાતની ફરિયાદ કર્યા બાદ સિક્યૉરિટી અધિકારીઓએ કુલ ૬ દર્શકોને સ્ટેડિયમમાંથી બહાર તગેડી મૂક્યા હતા અને તેમની પૂછપરછ શરૂ કરી હતી. આઇસીસીએ પણ આ ઘટનામાં આગળ આવીને તપાસ શરૂ કરી દીધી છે અને મૅચ જોવા આવેલા ૧૦,૦૭૫ દર્શકોની જાણકારી મેળવવાથી માંડી સીસીટીવી કૅમેરા પણ તપાસી રહી છે. આ ઘટના મૅચના ચોથા દિવસના બીજા સેશનમાં બની હતી.

આ પહેલાં પણ મૅચના ત્રીજા દિવસે જ્યારે મોહમ્મદ સિરાજ બાઉન્ડરીલાઇન પર ફીલ્ડિંગ કરી રહ્યો હતો ત્યારે તેની સાથે પ્રેક્ષકોએ ખરાબ વર્તન કર્યું હતું, ત્યાર બાદ કૅપ્ટન અજિંક્ય રહાણેએ આ મુદ્દો અમ્પાયર સુધી પહોંચાડ્યો હતો. જસપ્રીત બુમરાહ પણ સિરાજની સાથે આ પ્રકારની ઘટનાનો શિકાર બન્યો છે.

ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ માગી માફી

દર્શકો દ્વારા કરવામાં આવેલા ગેરવ્યવહારને લીધે ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ માફી માગવી પડી છે. ક્રિકેટ ઑસ્ટ્રેલિયાના હેડ ઑફ ઇન્ટિગ્રિટી ઍન્ડ સિક્યૉરિટી સીન કૅરોલે કહ્યું કે ‘ક્રિકેટ ઑસ્ટ્રેલિયા તમામ ભેદભાવપૂર્ણ વર્તણૂકની કડક શબ્દોમાં નિંદા કરે છે. જો તમે રંગભેદી વિવાદમાં સંકળાયેલા હો તો ઑસ્ટ્રેલિયન ક્રિકેટમાં તમારું સ્વાગત નથી. શનિવારે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં થયેલી ઘટના સંદર્ભે આઇસીસી દ્વારા કરવામાં આવી રહેલી તપાસના નિષ્કર્ષની ક્રિકેટ ઑસ્ટ્રેલિયા રાહ જોઈ રહ્યું છે. એક વાર આ કૃત્ય કરનારાઓની ભાળ મળે તો ક્રિકેટ ઑસ્ટ્રેલિયા તેની સામે ઍન્ટિ-હૅરૅસમેન્ટ કોડ અંતર્ગત કડક પગલાં લેવાથી માંડીને પ્રતિબંધ મૂકવા અને પોલીસને જાણ કરવા સુધીનાં પગલાં લેશે. સિરીઝના યજમાન તરીકે અમે ભારતીય ક્રિકેટ ટીમમાં અમારા મિત્રોની બિનશરતી માફી માગીએ છીએ અને તેમને ખાતરી આપીએ છીએ કે અમે આ મામલે સંપૂર્ણ કાર્યવાહી કરીશું.’

શું કહ્યું ભૂતપૂર્વ ભારતીય પ્લેયર્સે?

પોતાનો અનુભવ જણાવતાં હરભજન સિંહે કહ્યું કે ‘મેં પોતે ઑસ્ટ્રેલિયામાં રમતી વખતે મારા પર, મારા રંગ, મારા ધર્મ પર અનેક ટિપ્પણીઓ સાંભળી છે. આવું પહેલી વાર નથી જ્યારે ક્રાઉડ કંઈક બકવાસ કરી રહ્યું હોય. તમે આને કેવી રીતે અટકાવશો?’ ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ ઓપનર વીરેન્દર સેહવાગે કહ્યું કે ‘તમે કરો તો વ્યંગ અને અમે કરીએ તો રેસિઝમ. ઑસ્ટ્રેલિયન ક્રાઉડ દ્વારા એસસીજીમાં જે વ્યવહાર થયો એ દુર્ભાગ્યપૂર્ણ હતો અને સારી ટેસ્ટ ક્રિકેટના માહોલને બગાડનારો હતો.’ વિરાટ કોહલીએ પણ એસસીજીમાં થયેલી આ ઘટનાની ટીકા કરી છે.

ક્રિકેટ ઑસ્ટ્રેલિયાને આઇસીસીનો ટેકો

ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના ચીફ એક્ઝિક્યુટિવ મનુ સૉવ્હનીએ ગઈ કાલે ભારતીય પ્લેયર સાથે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં થયેલી ગેરવર્તણૂકની ટીકા કરી એ સંદર્ભે કડક પગલાં લેવા ક્રિકેટ ઑસ્ટ્રેલિયાને પોતાનો ટેકો આપ્યો હતો. મનુ સૉવ્હનીએ કહ્યું કે ‘આપણી રમતમાં ભેદભાવ માટે કોઈ સ્થાન નથી અને અમે અત્યંત નિરાશ છીએ કે અલ્પ ચાહકોનું એક જૂથ એવું વિચારતું હશે કે તેમનું આ ઘૃણાસ્પદ વર્તન સ્વીકારી લેવામાં આવશે. અમારી પાસે વ્યાપક ભેદભાવ વિરોધી નીતિ છે, જેનું સભ્યોએ અને પ્રશંસકોએ પાલન કરવું પડશે. ગ્રાઉન્ડ ઑથોરિટી અને ક્રિકેટ ઑસ્ટ્રેલિયા દ્વારા આજે લેવામાં આવેલા પગલાનું અમે સ્વાગત કરીએ છીએ. અમે આ દિશામાં ક્રિકેટ ઑસ્ટ્રેલિયા અને સંબંધિત અધિકારીઓને કોઈ પણ પ્રકારની તપાસ કરવા અમારો પૂરતો ટેકો આપીએ છીએ, કેમ કે અમે અમારી રમતમાં આવી જાતિવાદની કોઈ પણ ઘટનાને ચલાવી નહીં લઈએ.’

આ ઘટના ઘણી શરમજનક છે: જસ્ટિન લૅન્ગર

લૅન્ગરે કહ્યું કે ‘મેં તાજેતરમાં ઑસ્ટ્રેલિયાના ઇતિહાસ પર એક પુસ્તક વાચ્યું છે અને છેલ્લા કેટલાક મહિનામાં વૃત્તચિત્ર પણ જોયાં છે. આ ઘણું દુખદ છે. આપણે પોતાને શિક્ષિત કરીએ છીએ, પણ એ જોઈને ઘણું દુઃખ થાય છે કે લોકોને રંગભેદનો સામનો કરવો પડે છે. જો તમે ઑસ્ટ્રેલિયાના ઇતિહાસને જાણતા થાઓ તો તમને ખબર પડશે કે આ આટલું પીડાદાયક કેમ છે. જસ્ટિન લૅન્ગર ઉપરાંત માઇક હસી અને શેન વૉર્ન જેવા દિગ્ગજ ક્રિકેટરોએ પણ આ ઘટનાની આલોચના કરી છે.

sports sports news cricket news india australia