વિજય મળ્યા બાદ હેડ કોચ રવિ શાસ્ત્રી બન્યો ભાવુક, કહ્યું...

20 January, 2021 10:27 AM IST  |  Brisbane | Gujarati Mid-day Correspondent

વિજય મળ્યા બાદ હેડ કોચ રવિ શાસ્ત્રી બન્યો ભાવુક, કહ્યું...

રવિ શાસ્ત્રી

ટીમ ઇન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રી ગઈ કાલે ભારતીય ટીમની ઐતિહાસિક જીત બાદ ભાવુક બની ગયા હતા. શાસ્ત્રીએ ઑસ્ટ્રેલિયા સામેની આ સતત બીજી ટેસ્ટ સિરીઝમાં મળેલી જીતનું શ્રેય તેમના પ્લેયર્સના આત્મવિશ્વાસ અને તેમણે દાખવેલા કફરૅક્ટરને આપ્યું હતું.

વિરાટ કોહલી પપ્પા બનવાનો હોવાથી પહેલી ટેસ્ટ મૅચ બાદ ભારત આવી ગયો હતો અને તેની ગેરહાજરીમાં ભારતે અજિંક્ય રહાણેના નેતૃત્વમાં ઑસ્ટ્રેલિયા સામેની સિરીઝ જિતાડી આપી હતી.

પોતાની લાગણી વ્યક્ત કરતતાં રવિ શાસ્ત્રીએ કહ્યું કે ‘એક અઘરી ટૂરમાંની આ ટૂર હતી. અમે કોવિડ, ક્વૉરન્ટીન અને અનેક પ્લેયરોની ઈજા જેવી સમસ્યાઓ સામે ઝઝૂમતા હોવા છતાં રમી રહ્યા હતા. આવી એકસામટી સમસ્યાઓનો અમે ક્યારેય સામનો નથી કર્યો. તમારે વિરાટ કોહલીને શ્રેય આપવું જોઈએ. તે અહીં નથી, ઘરે પાછો જતો રહ્યો છે છતાં તેની પર્સનાલિટી અને તેનું વ્યક્તિત્વ હંમેશાં ટીમ સાથે રહે છે. જે પ્રમાણે અજિંક્ય રહાણેએ કપ્તાનપદ સાચવ્યું અને શોભાવ્યું એ ખરેખર અવિશ્વસનીય છે. છેલ્લી ટેસ્ટ મૅચ સુધી અમારી પાસે કોઈ વિકલ્પ નહોતો. ભારતે ગયા વખતે ઑસ્ટ્રેલિયાને ઑસ્ટ્રેલિયામાં પરાજય આપ્યો હતો અને એ મૅચમાંનો કોઈ પણ બોલર આ છેલ્લી ટેસ્ટ મૅચમાં નહોતો રમ્યો. પોતાનો આત્મવિશ્વાસ જાળવી રાખવો એ પણ મહત્ત્વનું છે.’

પંતમાં આવ્યું પરિવર્તન

આ ઉપરાંત બ્રિસ્બેન ટેસ્ટ મૅચના હીરો અને પ્લેયર ઑફ ધ મૅચ રિષભ પંતનાં વખાણ કરતાં હેડ કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે ‘તે દરેક વાત મગજમાં રાખીને રમતો પ્લેયર છે. તમે તેને રમતી વખતે સ્કોરબોર્ડ પર નજર કરતો જોઈ શકો છો. તે એક સારો શ્રોતા પણ છે. એક કોચ તરીકે તમે કોઈની કુદરતી ક્ષમતાને બદલી શકો, પણ તમે તેને સાવચેતી અને આક્રમકતા વચ્ચેનો ભેદ સમજાવી શકો છો. એ માટે તમે બેદરકાર ન બની શકો અને રિષભે એ વાત શીખી લીધી છે.’

રહાણે રહ્યો અજિંક્ય

કોહલીની ગેરહાજરીમાં ટીમની કમાન સંભાળનાર કૅપ્ટન અજિંક્ય રહાણેનાં વખાણ કરતાં રવિ શાસ્ત્રીએ કહ્યું કે ‘શાંત અને સંતુલન જાળવી રાખીને અજિંક્યએ ઘણું સારું કામ કર્યું છે. માત્ર ત્રણ મૅચનો અનુભવ ધરાવતા બોલિંગ-અટૅક સાથે રમવું સહેલું નથી. મને લાગે છે કે આ તેના આત્મવિશ્વાસની કમાલ છે. તમને લાગતું હશે કે તેનામાં આ પરિવર્તન રાતોરાત આવી ગયું હશે, પણ ના આને માટે પાંચ-છ વર્ષની આ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. આ છોકરાઓ છેલ્લાં પાંચ-છ વર્ષથી એકબીજા સાથે રમી રહ્યા છે અને સાથે ટૂર કરી રહ્યા છે. હવે તેઓ શીખી ગયા છે કે ક્યારેય ગિવ-અપ ન કરવું. તમારે એ માટે વિરાટ કોહલીને શ્રેય આપવું જોઈએ.’

sports sports news cricket news india australia ravi shastri