17 June, 2025 09:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એ.બી. ડિવિલિયર્સ, વિરાટ કોહલી
રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB) માટે વર્ષો સુધી રમવાને કારણે ભૂતપૂર્વ સાઉથ આફ્રિકન ક્રિકેટર એ.બી. ડિવિલિયર્સ અને ભારતના સ્ટાર બૅટર વિરાટ કોહલી વચ્ચે મિત્રતા ગાઢ થઈ હતી, પરંતુ ગયા વર્ષે વિરાટ કોહલીએ ડિવિલિયર્સની એક ભૂલને કારણે તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું.
ડિવિલિયર્સે ખુલાસો કર્યો હતો કે ‘ભગવાનનો આભાર, કારણ કે કેટલાક સમય પહેલાં જ્યારે વિરાટ બીજી વાર પપ્પા બનવાનો હતો ત્યારે મારાથી એક ભયાનક ભૂલ થઈ હતી. એટલે જ્યારે તેણે મારી સાથે ફરી વાત કરવાની શરૂ કરી તો મને ખૂબ રાહત મળી.’
૨૦૨૪ની શરૂઆતમાં વિરાટ કોહલીએ વ્યક્તિગત કારણોસર ઘરઆંગણાની ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝમાંથી નામ ખેંચી લીધું હતું ત્યારે ડિવિલિયર્સે યુટ્યુબ લાઇવમાં વિરાટ કોહલી બીજી વાર પપ્પા બનવાનો છે એનો ખુલાસો કરી દીધો હતો.
ફેબ્રુઆરી ૨૦૨૪માં ઍક્ટ્રેસ અનુષ્કા શર્માએ બીજા સંતાનરૂપે દીકરા અકાયને જન્મ આપ્યો ત્યાં સુધી કોહલી આ વાત જાહેર કરવા માગતો નહોતો. ઑસ્ટ્રેલિયામાં બૉર્ડર-ગાવસકર ટ્રોફી 2024-25 દરમ્યાન જ્યારે વિરાટ કોહલી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેણે ડિવિલિયર્સ સાથે ફરી સંપર્ક કરીને પોતાના વિચારો શૅર કરીને સલાહ-સૂચન લીધાં હતાં.