વિરાટ કોહલીએ ટીમ ઈન્ડિયાના બેટ્સમેન પર ઉઠાવ્યા સવાલ, બોલર્સ માટે કહ્યું

21 August, 2019 01:06 PM IST  |  એન્ટિગા

વિરાટ કોહલીએ ટીમ ઈન્ડિયાના બેટ્સમેન પર ઉઠાવ્યા સવાલ, બોલર્સ માટે કહ્યું

ટીમ ઈન્ડિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 22 ઓગસ્ટથી 2 મેચની ટેસ્ટ સિરીઝ શરૂ થવા જઈ રહી છે. એન્ટિગા અને જમૈકામાં રમાનારી આ બંને ટેસ્ટ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ છે. વર્લ્ડ કપ 2019ની સેમીફાઈનલમાં હાર્યા બાદ વેસ્ટ ઈન્ડિઝ પહોંચેલી ટીમ ઈન્ડિયા ટી 20 સિરીઝ અને વન ડે સિરીઝ જીતી ચુકી છે. ત્યારે હવે કોહલીની બ્રિગેડ પાસે ટેસ્ટ સિરીઝ જીતવાનો ગોલ્ડન ચાન્સ છે.

વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ભલે વિરાટ કોહલીની કેપ્ટનસીમાં ટીમ ઈન્ડિયા મજબૂત લાગી રહી હોય પરંતુ ICC ચેમ્પિયનશિપની શરૂઆત જીતથી કરવા આતુર છે. પરંતુ કેપ્ટન કોહલીને હજી પણ પોતાના બેટ્સમેનો પર શંકા છે. જો કે કેપ્ટન કોહલી માને છે કે ટીમ ઈન્ડિયાના બોલર્સે પાછલા કેટલાક સમયથી સારું પ્રદર્શન કર્યું છે, પરંતુ બેટ્સમેન પોતાની જવાબદારી બરાબર નથી નિભાવી રહ્યા.

વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડ દ્વારા આયોજિત એક ઈવેન્ટમાં વિરાટ કોહલીએ ટેસ્ટ સિરીઝ પહેલા કહ્યું,'ભારતીય ટીમની બોલિંગ ખૂબ જ સુધરી છે. અને હવે તે બેટ્સમનોની જવાબદારી છે કે તેઓ બરાબરી કેવી રીતે કરે છે. મને નથી લાગતું કે અમે બેટિંગ બરાબર કરી રહ્યા છીએ, કારણ કે ટેસ્ટમાં બેટિંગ હંમેશા ચેલેન્જિંગ હોય છે. ટેસ્ટ ચેમ્પિયનશિપની સાથે ક્રિકેટનું આ ફોર્મેટ વધુ અઘરું બન્યું છે, જ્યાં પ્રત્યેક નિર્ણય તમારી ફ્યુચરની યોજનાઓ દર્શાવે છે.'

આ પણ વાંચોઃ શું તમને ખબર છે કેટલું ભણેલા છે આ સ્ટાર ભારતીય ક્રિકેટર્સ?

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં રમવા માટે ઉત્સાહિત કેપ્ટન વિરાટ કોહલીએ આગળ કહ્યું,'પાછલા કેટલાક વર્ષોમાં ટેસ્ટ ક્રિકેટની કોમ્પિટિશન બમણી થઈ ગઈ છે. ટેસ્ટ ક્રિકેટને લઈને આ પગલું એક પર્ફેક્ટ સમયે લેવાયું છે. લોકો વાતો કરી રહ્યા હતા કે ટેસ્ટ ક્રિકેટ મરણ પથારીએ છે, પરંતુ હવે ખેલાડીઓ પર આધાર છે કે તેઓ આ પડકાર કેવી રીતે લે છે.'

virat kohli sports news cricket news