સિરીઝ પર કબજો મેળવવા મેદાનમાં ઊતરશે ટીમ ઇન્ડિયા

10 October, 2019 12:35 PM IST  |  પુણે

સિરીઝ પર કબજો મેળવવા મેદાનમાં ઊતરશે ટીમ ઇન્ડિયા

વિરાટ કોહલી

વિશાખાપટ્ટનમમાં પહેલી ટેસ્ટ મૅચ ૨૦૩ રનથી જીતી લીધા બાદ આજથી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ મૅચ પુણેમાં રમાશે. આ મૅચ બન્ને ટીમો માટે જીતવી મહત્વની છે કેમ કે એક બાજુ ભારતીય ટીમ આ મૅચ જીતી સિરીઝ પર કબજો કરવા પ્રયાસ કરશે તો સામે સાઉથ આફ્રિકાની ટીમ ત્રણ મૅચોની સિરીઝમાં પોતાની લાજ બચાવવા આ મૅચ જીતવા દરેક પ્રયાસ કરશે.

પહેલી ટેસ્ટ મૅચમાં બન્ને ઇનિંગમાં સેન્ચુરી કરનારા રોહિત શર્મા પર સૌકોઈની નજર રહેશે. ફક્ત રોહિત જ નહીં, પણ સમગ્ર ટીમ ઇન્ડિયા ફોર્મમાં ચાલી રહી છે. બૅટિંગ ડિપાર્ટમેન્ટથી માંડી બોલિંગ ડિપાર્ટમેન્ટ પણ જબરદસ્ત ફોર્મમાં છે. ઇન્ડિયન ટેસ્ટ ટીમમાં રોહિત ઉપરાંત મયંક અગરવાલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, હનુમા વિહારી જેવા પ્લેયરો ટીમ ઇન્ડિયાને મોટો સ્કોર ઊભો કરવામાં મદદ કરી શકે છે, જ્યારે રવિચન્દ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી અને ઇશાંત શર્મા જેવા બોલરો હરીફ ટીમને વહેલી પૅવિલિયન ભેગી કરી શકે છે.

સામા પક્ષે ડીન એલ્ગર અને ક્વિન્ટન ડી કૉક જેવા પ્લેયર પોતાની ટીમની કમાન સારી રીતે સંભાળીને આજથી મૅચ જીતવા ભરપૂર પ્રયાસ કરશે જેથી કરીને સિરીઝમાં બની રહી શકે. આજથી શરૂ થતી મૅચ જો સાઉથ આફ્રિકા હારી જાય તો એ પોતાના હાથમાંથી સિરીઝ ગુમાવી દેશે. મૅચ પહેલાં વિરાટ કોહલી નેટ પ્રૅક્ટિસમાં જબરદસ્ત ફટકાબાજી કરતો જોવા મળ્યો હતો.

સ્વાભાવિક છે કે બન્ને ટીમ આજે પોતપોતાની આગવી સ્ટ્રૅટેજી અપનાવી મૅચ જીતી સિરીઝમાં લીડ લેવાનો પ્રયાસ કરશે.

આ પણ વાંચો : આફ્રિકાનો સ્ટાર બોલર ડેલ સ્ટેન હવે બિગ બેશ લીગમાં જોવા મળશે

વિદેશમાં જીત માટે ટીમને ડબલ પૉઇન્ટ્‌સ મળવા જોઈએ : કોહલી

ઇન્ડિયન ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકા સામેની બીજી ટેસ્ટની પૂર્વ સંધ્યાએ પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપી હતી જેમાં તેણે કોઈ પણ ટીમને વિદેશની ધરતી પર મ‍ળતી જીત બદલ ડબલ પૉઇન્ટ્સ મળવા જોઈએ એવા વિચાર પ્રગટ કર્યો હતો.

આ બાબતે કોહલીએ કહ્યું હતું કે ‘વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપના લીધે દ્વિપક્ષીય સિરીઝનું મહત્વ વધી ગયું છે તેમ જ ટેસ્ટ ક્રિકેટનું સ્ટાન્ડર્ડ પણ સુધરી રહ્યું છે. જો મને પૉઇન્ટ્‌સ ટેબલ બનાવવાનું કહેવામાં આવે તો હું વિદેશમાં જીત માટે ડબલ પૉઇન્ટ્‌સ રાખત. આને કારણે ટેસ્ટ ક્રિકેટનું ફૉર્મેટ વધારે રોમાંચક બનશે.’

વધુમાં વાત કરતાં વિરાટે કહ્યું કે ‘દરેક સિરીઝની જેમ દરેક મૅચનું પણ મહત્ત્વ હવે વધી ગયું છે. પહેલા ત્રણ ટેસ્ટની સિરીઝમાં ટીમો મૅચમાં ડ્રો કરાવવા માટે રમતી હતી. હવે મૅચ જીતવાથી વધારે પૉઇન્ટ્‌સ મળે એ માટે હવે ટીમો મૅચ જીતવા માટે રમે છે. મારું માનવું છે કે ટેસ્ટ ફૉર્મેટ આ એક સારો વિચાર છે. આના કારણે મૅચો વધુ રોમાંચક બનશે અને બધી ટીમોએ દરેક સેશનમાં પ્રોફેશનલ ક્રિકેટ રમવું પડશે. ખેલાડીઓએ પહેલાં કરતાં વધારે મહેનત કરવી પડશે. ટૂંકમાં મારા મતે આનાથી ટેસ્ટ ક્રિકેટનું સ્ટાન્ડર્ડ સુધારશે’.

હાલની તારીખમાં ટીમ ઇન્ડિયા આઇસીસીની ટેસ્ટ ક્રિકેટ ટીમની રૅન્કિંગમાં ૧૧૫ રેટિંગ સાથે ટૉપ પર છે, જ્યારે ન્યુ ઝીલૅન્ડ અને સાઉથ આફ્રિકા અનુક્રમે ૧૦૯ અને ૧૦૮ રેટિંગ સાથે બીજા અને ત્રીજા ક્રમાંકે છે.

virat kohli test cricket cricket news sports news