ઇન્ડિયન ક્રિકેટને ભગવાન બચાવે : ગાંગુલી

08 August, 2019 12:28 PM IST  |  નવી દિલ્હી

ઇન્ડિયન ક્રિકેટને ભગવાન બચાવે : ગાંગુલી

ગાંગુલી

ઇન્ડિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન સૌરવ ગાંગુલીએ હાલમાં એક ટ્વીટ કરીને ઇન્ડિયન ક્રિકેટ ટીમની ગ્રેટ વૉલ ગણાતા રાહુલ દ્રવિડને ટેકો આપતાં કહ્યું હતું કે ભારતીય ક્રિકેટને ભગવાન બચાવે.

વાસ્તવમાં ભારતીય ક્રિકેટ બોર્ડના ઍથિક્સ ઑફિસર જસ્ટિસ રિટાયર્ડ ડી.કે. જૈને રાહુલ દ્રવિડને કૉન્ફ્લિક્ટ ઑફ ઇન્ટરેસ્ટના મામલે નોટિસ ફટકારી છે. જોકે આ નોટિસ માટેની અરજી મધ્ય પ્રદેશ ક્રિકેટ અસોસિએશનના મેમ્બર સંજય ગુપ્તાએ કરી હતી. દ્રવિડ જેવા પહેલી હરોળના પ્લેયરને નોટિસ મળવાની વાત જણાવતાં સૌરવ ગાંગુલીએ ટ્વીટ કર્યું કે ‘ભારતીય ક્રિકેટમાં એક નવી ફૅશન... કૉન્ફ્લિક્ટ ઑફ ઇન્ટરેસ્ટ... સમાચારોમાં રહેવાની એક સારી તરકીબ... ભગવાન બચાવે ભારતીય ક્રિકેટને... રાહુલ દ્રવિડને ભારતીય ક્રિકેટ બોર્ડના ઍથિક્સ ઑફિસર પાસેથી કૉન્ફ્લિક્ટ ઑફ ઇન્ટરેસ્ટ નોટિસ મોકલવામાં આવી છે.’

ગાંગુલીની આ ટ્વીટમાં હરભજન સિંહે પણ પોતાના વિચાર વહેતા કરતાં દ્રવિડને ટેકો આપ્યો છે. હરભજને કહ્યું કે ‘ખરેખર? ખબર નહીં આ ક્યાં જશે... ભારતીય ક્રિકેટમાં તમને તેમના કરતાં સારો માણસ નહીં મળે. આ મહાન પ્લેયરને નોટિસ મોકલવાનો અર્થ તેમનું અપમાન કરવાનો થાય છે... સુધારા માટે ભારતીય ક્રિકેટને તેમની સર્વિસની જરૂરત છે. સાચે જ ભારતીય ક્રિકેટને ભગવાન જ બચાવે.’

આ પણ વાંચો : આજે ભારત અને વેસ્ટ ઇન્ડીઝની પહેલી વન-ડે

કૉન્ફ્લિક્ટ ઑફ ઇન્ટરેસ્ટ નોટિસનો જવાબ દેવા માટે રાહુલ દ્રવિડને બે અઠવાડિયાંનો સમય આપવામાં આવ્યો છે. દ્રવિડ પહેલાં સચિન તેન્ડુલકર, વીવીએસ લક્ષ્મણ અને સૌરવ ગાંગુલીને પણ કૉન્ફ્લિક્ટ ઑફ ઇન્ટરેસ્ટની નોટિસ મોકલવામાં આવી હતી. આ ત્રણેય પ્લેયર આઇપીએલની ટીમોમાં મેન્ટર તરીકે ફરજ બજાવતા અને અન્ય ક્રિકેટ અસોસિએશનમાં કાર્યરત રહેતા હોવાને લીધે તેમને આ નોટિસ મોકવામાં આવી હતી.

sourav ganguly cricket news sports news rahul dravid