IND-PAKની દ્વિપક્ષી સિરીઝ માટે બન્ને દેશના PMની સહમતી જરૂરી : ગાંગુલી

18 October, 2019 12:36 PM IST  |  કલકત્તા

IND-PAKની દ્વિપક્ષી સિરીઝ માટે બન્ને દેશના PMની સહમતી જરૂરી : ગાંગુલી

નરેન્દ્ર મોદી અને ઈમરાન ખાન

ઇન્ડિયન ક્રિકેટ ટીમના ભૂતપૂ‍ર્વ પ્લેયર અને કૅપ્ટન સૌરવ ગાંગુલી હવે ભારતીય ક્ર્કિેટ બોર્ડના પ્રેસિડન્ટ બનવા જઈ રહ્યા છે એવામાં ભારત-પાકિસ્તાન વચ્ચેની દ્વિપક્ષીય સિરીઝ સંદર્ભમાં પુછાયેલા એક પ્રશ્નનો જવાબ આપતાં ગાંગુલીએ કહ્યું હતું કે ‘જો આ બન્ને દેશો વચ્ચે સિરીઝ રમાડવી હોય તો બન્ને દેશના વડા પ્રધાનની સહમતી જરૂરી છે. આ વિશ્વ સ્તરની વાત હોવાને લીધે અમારે સરકારની પરવાનગી લેવી પડે છે.’

ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લી દ્વિપક્ષીય સિરીઝ ૨૦૧૨માં રમાઈ હતી, જેમાં બે ટી૨૦ અને ત્રણ વન-ડે મૅચનો સમાવેશ હતો.

રાંચી ટેસ્ટમાં હાજર નહીં રહી શકે સૌરવ ગાંગુલી

ભારતીય ક્રિકેટ બોર્ડનો કારભાર સંભાળવાની જવાબદારી નજીકના સમયમાં સૌરવ ગાંગુલીના માથે આવવાની છે, પણ એ પહેલાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે છેલ્લી ટેસ્ટ મૅચ આવતી કાલથી રાંચીમાં રમાવાની છે. આ મૅચ વખતે ગાંગુલીની ઇચ્છા ટીમના પ્લેયરો સાથે રહેવાની છે, પણ ૨૦ ઑક્ટોબરે કેરળમાં ઇન્ડિયન સુપર લીગનું ઉદ્ઘાટન હોવાને લીધે તે રાંચી ટેસ્ટ દરમ્યાન પ્લેયરો સાથે નહીં રહી શકે.

આ સંદર્ભે ગાંગુલીએ કહ્યું હતું કે ‘મારી રાંચી જવાની ઇચ્છા છે, પણ હવે હું ઇન્ડિયન સુપર લીગનું પ્રતિનિધિત્વ કરી રહ્યો હોવાને લીધે મારે ત્યાં ઉદ્ઘાટન સત્રમાં જવું જરૂરી છે. માટે હું કેરળમાં યોજાનારી ઓપનિંગ સેરેમનીમાં ઉપસ્થિત રહીશ.’ ભારત-સાઉ‍થ આફ્રિકા વચ્ચેની છેલ્લી અને અંતિમ ટેસ્ટ મૅચ ૧૯થી ૨૩ ઑક્ટોબર દરમ્યાન રમાશે. ભારતે આ સિરીઝ ૨-૦થી પોતાના નામે કરી લીધી છે.

sourav ganguly cricket news sports news india pakistan