ICC દ્વારા દર 3 વર્ષે એક વાર વિશ્વકપ યોજાવા સામે ગાંગુલીની પ્રતિક્રિયા

17 October, 2019 02:18 PM IST  |  કલકત્તા

ICC દ્વારા દર 3 વર્ષે એક વાર વિશ્વકપ યોજાવા સામે ગાંગુલીની પ્રતિક્રિયા

સૌરવ ગાંગુલી

ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રેસિડન્ટ બનવા જઈ રહેલા ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન સૌરવ ગાંગુલીએ ક્રિકેટ વિશ્વકપને દર ત્રણ વર્ષે રમવાના આઇસીસીના વિચાર પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે ‘કેટલીક વખત જિંદગમાં ઓછું જ વધારે હોય છે. વિશ્વકપનું પહેલું આયોજન ૧૯૭૫માં થયું હતું જેના બાદ સામાન્ય રીતે દર ચાર વર્ષે તેનું આયોજન થાય છે.’

૧૯૯૨માં તે પાંચ વર્ષ અને ૧૯૯૯માં ત્રણ વર્ષના અંતર પર થયો હતો. ગાંગુલીએ બંગાળ ક્રિકેટ સંઘના કાર્યાલયમાં કહ્યું હતું કે ‘ઘણી વખત જિંદગીમાં ઓછું જ વધારે હોય છે એવામાં આપણે ઘણા નિર્ણય કરતા પહેલાં સાવચેત રહેવું જોઈએ. ફુટબૉલ વિશ્વકપનું આયોજન દર ચાર વર્ષે થાય છે જેની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે.’

વધુમાં સ્પષ્ટતા કરતાં ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટને કહ્યું હતું કે ‘વાસ્તવમાં આ વિશે આઇસીસીએ નિર્ણય લેવાનો છે. હું હાલની સ્થિતિમાં આ અંગે જવાબ આપી શકતો નથી. જ્યારે હું આ ચર્ચાનો ભાગ બનીશ ત્યારે હું તેના વિશે વાત કરીશ.’

નોબેલ પ્રાઇઝ જીતનારા અભિજિત બૅનરજીને ગાંગુલીએ આપી શુભેચ્છા

ભારતીય ક્રિકેટ બોર્ડના નવા પ્રેસિડન્ટ બનવા જઈ રહેલા સૌરવ ગાંગુલીએ ઇકૉનૉમિક્સમાં નોબેલ પ્રાઇઝ જીતનારા અભિજિત વિનાયક બૅનરજીને શુભેચ્છા પાઠવતાં તેમની આ ઉપલબ્ધિને અદ્ભુત કહી છે.

કલકત્તા પહોંચીને બૅનરજીને શુભેચ્છા આપતાં ગાંગુલીએ કહ્યું હતું કે ‘આ ઘણી મોટી અને અદ્ભુત ઉપલબ્ધિ છે. તેમણે ઇકૉનૉમિક્સ અને ગરીબી માટે કેવા-કેવા કામ કર્યા છે એ વિશે હું ફ્લાઇટમાં વાંચી રહ્યો હતો. તેઓ આપણા માટે એક વિશેષ વ્યક્તિ છે. તેમને ખૂબ-ખૂબ શુભેચ્છા.’

કોહલી આઇસીસી ટુર્નામેન્ટ જીતવા પર ધ્યાન કેન્દ્રીત કરે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પ્રેસિડન્ટ પદ માટે પસંદગી પામેલા સૌરવ ગાંગુલીનું માનવું છે કે ભારતીય ક્રિકેટ ટીમ મૅનેજમેન્ટે આઇસીસી ટુર્નામેન્ટ જીતવા પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ. તેઓ આ અંગે કૅપ્ટન વિરાટ કોહલી સાથે વાત કરવા પણ ઇચ્છે છે.

આ પણ વાંચો : બાઉન્ડરી રૂલના કાયદાની વિદાયને તેન્ડુલકરનો ટેકો

આ અંગે સૌરવ ગાંગુલીએ જણાવ્યું હતું કે ‘હું ઇચ્છું છું કે કોહલી આ વિશે ગંભીરતાથી વિચાર કરે. મારું માનવું છે કે ટીમ દરેક ટુર્નામેન્ટ જીતી શકતી નથી, પરંતુ ટીમે સતત અનેક ટુર્નામેન્ટમાં હારનો સામનો પણ કરેલો છે. વર્તમાન ટીમ મારા સમયની ટીમની તુલનામાં ઘણી મજબૂત છે. આ ટીમમાં પ્રતિભાની કોઈ જ ઊણપ નથી. બસ, આ ટીમને માનસિક રીતે તૈયાર કરવાની જરૂર છે. આપણે વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં પહોંચ્યા હતા, પરંતુ ચૅમ્પિયન બની શક્યા ન હતા. વિરાટે આ દિશામાં વાત કરવાની રહેશે અને આ કામ બોર્ડ રૂમમાં થઈ શકે એમ નથી. હું જાણું છું કે કોહલી ચૅમ્પિયન ખેલાડી છે. તે ઘણીબધી બાબતોને ચોક્કસ બદલશે.’

sourav ganguly board of control for cricket in india cricket news sports news