વિજય શંકરની બોલિંગ ભારતને મદદરૂપ થશે : સૌરવ ગાંગુલી

01 May, 2019 10:51 AM IST  |  ચેન્નઈ | (પી. ટી. આઇ.)

વિજય શંકરની બોલિંગ ભારતને મદદરૂપ થશે : સૌરવ ગાંગુલી

દાદાની આગાહી : ચેન્નઈમાં એક ઇવેન્ટ દરમ્યાન ભારતના ખેલાડી મોહિત શર્મા સાથે ભારતનો ભૂતપૂર્વ કૅપ્ટન સૌરવ ગાંગુલી.

ભારતના ભૂતપૂર્વ અગ્રેસિવ કૅપ્ટન સૌરવ ગાંગુલીએ તામિલનાડુના ઑલ-રાઉન્ડર વિજય શંકરને સર્પોટ કરતાં કહ્યું કે તે વર્લ્ડ કપમાં સારું પર્ફોર્મ કરશે અને તેની બોલિંગ ભારતને કામ લાગશે. દિલ્હીના આ સલાહકારે મીડિયાને કહ્યું, ‘વિજય શંકર સારું પર્ફોર્મ કરશે. તે સારો યુવાન ક્રિકેટર છે. તેની બોલિંગ વર્લ્ડ કપમાં ભારતને કામ લાગશે. આપણે બહુ નેગેટિવ થવાની જરૂર નથી. તેને ટીમમાં સ્થાન મળ્યું છે, કારણ કે તે ઑસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલૅન્ડમાં રમ્યો છે અને સારું પર્ફોર્મ કર્યું છે.’

સૌરવ ગાંગુલીએ પંત વિશે કહ્યું, ‘પંત વર્લ્ડ કપની ટીમમાં સિલેક્ટ નથી થયો છતાં તેણે નિરાશ થવાની કોઈ જરૂર નથી. તે હજી ૨૧ વર્ષનો છે અને તેને વર્લ્ડ કપ રમાવાના ઘણા ચાન્સ મળશે.’

પંતે ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયામાં શાનદાર પર્ફોર્મ કર્યું હતું. સિડનીમાં તેણે ૧૫૯ રન ફટકાર્યા હતા. વિકેટકીપર તરીકે તે મહેન્દ્ર સિંહ ધોનીનો અનુગામી છે. તેને વર્લ્ડ કપના સ્ટૅન્ડ-બાય ખેલાડીઓમાં સ્થાન મળ્યું છે.

ટીમ કૉમ્બિનેશન વિશે સૌરવ ગાંગુલીએ કહ્યું, ‘જો ત્રણ પેસ બોલર સાથે ભારત ઊતરે તો સાતમા ક્રમે એક ઑલ-રાઉન્ડરને રમાડી શકાય. હાર્દિક પંડ્યાને પહેલો ચાન્સ મળવો જોઈએ. જો તે ઇન્જર્ડ થાય તો રવીન્દ્ર જાડેજાને ચાન્સ આપવો જોઇએ. આ વર્લ્ડ કપનું ફૉર્મેટ સૌથી વધુ રસપ્રદ છે જેમાં દરેક ટીમ દરેક ટીમ સામે રમશે.’

આ પણ વાંચો : IPL 2019: ટોચની બે ટીમ દિલ્હી અને ચેન્નઈ વચ્ચે થશે ખરાખરીનો મુકાબલો

ભારત વર્લ્ડ કપમાં પહેલી મૅચ પાંચ જૂને સાઉથ આફ્રિકા સામે રમશે. સૌરવ ગાંગુલી ૧૯૯૯, ૨૦૦૩, ૨૦૦૭ના વર્લ્ડ કપમાં રમી ચૂક્યો છે.

sourav ganguly cricket news Ipl 2019 world cup