IPL 2019: ટોચની બે ટીમ દિલ્હી અને ચેન્નઈ વચ્ચે થશે ખરાખરીનો મુકાબલો

Updated: May 01, 2019, 20:11 IST | (મિડ-ડે પ્રતિનિધિ) | ચેન્નઈ

આજે ધોની અને શ્રેયસ અય્યરની ટીમ પાસે બેન્ચ સ્ટ્રેંગ્થ ચકાસવાનો સુવર્ણ મોકો

શ્રેયસ અય્યર
શ્રેયસ અય્યર

ડિફેન્ડિંગ ચૅમ્પિયન ચેન્નઈ અને ૨૦૧૨ પછી પહેલી વખત પ્લે-ઑફ રાઉન્ડ માટે ક્વૉલિફાઈ થયેલી દિલ્હીની ટીમ આજે ચેન્નઈના એમ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં નવા ખેલાડીઓને મોકો આપે તો નવાઈ નહીં. બન્ને ટીમે જરૂરી ૮ જીત મેળવીને ૧૬ પૉઇન્ટ્સ જમા કરી લીધા છે, પણ ચેન્નઈની ટીમનો નેટ રન-રેટ માઇનસમાં છે, કારણ કે મુંબઈએ એને પાછલી મૅચમાં ૪૬ રનથી પરાજય આપ્યો હતો. જો ત્રીજા (મુંબઈ) અને ચોથા (હૈદરાબાદ) ક્રમની ટીમોએ તેમના જેટલી મૅચો જીતી લીધી તો ચેન્નઈને પહેલી ક્વૉલિફાયર મૅચ રમવાનો અધિકાર નહીં મળે. ચેન્નઈનો ટૉપ-ઑર્ડર આ સીઝનમાં બે-ત્રણ મૅચ સિવાય સતત ફ્લોપ રહ્યો છે. શૅન વૉૅટસન, અંબાતી રાયુડુ, સુરેશ રૈનાએ મોટા સ્કોર કરવાની જવાબદારી લેવી પડશે. બોલરોમાં સ્પિનરો દીપક ચાહર, ઇમરાન તાહિર, હરભજન સિંહ, બ્રાવો અને સેન્ટનર સારા ફૉર્મમાં છે. તેમણે હરીફ ટીમને ૨૦૦ની અંદર રોકવામાં સફળતા મેળવી છે.

યંગ બ્રિગેડે પ્લે-ઑફમાં પહોંચાડ્યું દિલ્હીને

ભવિષ્યના સિતારાઓથી ભરેલી દિલ્હીની ટીમમાં બૅટિંગની જવાબદારી રિષભ પંત, પૃથ્વી શૉ, શિખર ધવન, શ્રેયસ અય્યર પર રહેશે. પાછલી મૅચમાં શિખરે ૩૭ બૉલમાં આક્રમક ૫૦ રન કરીને ‘પ્લેયર ઑફ ધ મૅચ’નો અવૉર્ડ જીત્યો હતો. ઑરેન્જ કૅપના દાવેદારોની લિસ્ટમાં શિખર ૪૫૧ રન સાથે ચોથા અને કૅપ્ટન શ્રેયસ અય્યર ૩૮૩ રન સાથે ૧૧મા સ્થાને છે. ૨૦૧૨ પછી પહેલી વખત દિલ્હી પ્લે-ઑફ રાઉન્ડમાં પહોંચ્યું છે.

બેન્ચ સ્ટ્રેંગ્થ ટેસ્ટ કરવાનો મોકો

બન્ને ટીમ પ્લે-ઑફમાં પહોંચી ચૂકી છે એટલે હારનારી ટીમને કોઈ નુકસાન નહીં થાય. ચેન્નઈ પાસે ઋતુરાજ ગાયકવાડ, મોનુ કુમાર, કર્ણ શર્મા, મોહિત શર્મા અને કે. એમ. આસિફ જેવા ટૅલન્ટેડ યંગસ્ટર્સ છે જેને બિનમહત્વની મૅચમાં મોકો આપવાથી તેમનો કૉન્ફિડન્સ વધશે. દિલ્હી પાસે રણજી સ્ટાર જલજ સકસેના, અવેશ ખાન, બંદારૂ અય્યપ્પા અને નથ્થુ સિંહ જેવા ઊભરતા ખેલાડીઓ છે જેમણે ડોમેસ્ટ્રિક લેવલ પર સારું પર્ફોર્મ કર્યું છે.

ધોની રમશે કે નહીં એનો નિર્ણય ટૉસ પહેલાં લેવામાં આવશે : કોચ ફ્લેમિંગ

ચેન્નઈના હેડ કોચ સ્ટીફન ફ્લેમિંગે કહ્યું હતું કે કૅપ્ટન ધોની ‘થોડો બીમાર’ હોવાથી આજની મૅચમાં રમશે કે નહીં એનો નિર્ણય ટૉસ કરતાં પહેલાં લેવામાં આવશે. તે સોમવારે પ્રૅક્ટિસમાં અને મંગળવારે ટ્રેઇનિંગ સેશનમાં ટીમ સાથે જોડાઈ શક્યો નહોતો. ધોનીએ આ સીઝનમાં બે મૅચ ગુમાવી છે. આજે તે નહીં રમે તો અંબાતી રાયુડુ વિકેટકીપિંગ કરે એવી પૂરી સંભાવના છે. ધોની સંપૂર્ણ ફિટ થાય એ જરૂરી છે, કારણ કે આવતા મહિનાથી ભારત ઇંગ્લૅન્ડમાં વન-ડે ક્રિકેટની સૌથી મોટી ટુર્નામેન્ટ વર્લ્ડ કપ રમવા જશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK