ટેસ્ટ ચૅમ્પિયનશિપ આ ફૉર્મેટને જીવંત રાખવા માટે ખૂબ જ જરૂરી : કોહલી

22 August, 2019 12:46 PM IST  |  ઍન્ટિગા

ટેસ્ટ ચૅમ્પિયનશિપ આ ફૉર્મેટને જીવંત રાખવા માટે ખૂબ જ જરૂરી : કોહલી

વિરાટ કોહલી

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે બે ટેસ્ટ મૅચની સિરીઝમાંની પહેલી ટેસ્ટ મૅચ આજથી ઍન્ટિગામાં શરૂ થઈ રહી છે. કૅપ્ટન કોહલીનું આ ટેસ્ટ મૅચ વિશે કહેવું છે કે ‘આ ગેમ વધારે સ્પર્ધાત્મક બની રહી છે કેમ કે એના ઘણા ફાયદા છે. ટેસ્ટ ચૅમ્પિયનશિપનું આ એક યોગ્ય સમયે યોગ્ય પગલું લેવામાં આવ્યું છે. લોકો એવું કહી રહ્યા છે કે ટેસ્ટ ક્રિકેટ મરી રહી છે અથવા એમાં પહેલાં જેટલો રોમાંચ નથી રહ્યો. જોકે મારા મતે આ ગેમ પાછલાં કેટલાંક વર્ષોમાં મહત્ત્વની રહી છે. એ પ્લેયર પર નિર્ભર છે કે એ કઈ રીતે ગેમ રમવા માગે છે અને જીતવા માગે છે. વળી ટેસ્ટ ચૅમ્પિયનશિપ હોવાને લીધે દરેક ટીમ પણ મૅચ ડ્રૉ કરાવવા કરતાં જીતવાનો પ્રયાસ વધારે કરશે જેથી કરીને મૅચ રમવામાં પણ મજા આવશે.’

ટેસ્ટ કૅપ્ટન્સી સાથે મૅચ જીતવાના ધોનીના રેકૉર્ડની બરાબરી કરવા કોહલી એક ડગલું દૂર

ભારતીય ટીમના કૅપ્ટન વિરાટ કોહલી પાસે આજથી શરૂ થઈ રહેલી પહેલી ટેસ્ટમાં રેકૉર્ડની બરાબરી કરવાની સુવર્ણ તક છે. આ ટેસ્ટ મૅચ જો ઇન્ડિયા જીતી જાય તો કોહલી ટેસ્ટ કૅપ્ટન તરીકે સૌથી વધુ ટેસ્ટ મૅચ જીતવાના મહેન્દ્ર સિંહ ધોનીના રેકૉર્ડની બરાબરી કરી લેશે. ધોનીના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયા ૬૦ ટેસ્ટ મૅચ રમી હતી જેમાંથી ટીમ ૨૭ મૅચ જીતી હતી. કોહલીના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયા કુલ ૪૬ મૅચ રમી છે જેમાંથી કુલ ૨૬ મૅચ જીતવામાં સફળ રહી છે.

૨૦૧૪માં ઑસ્ટ્રેલિયાની ટૂર દરમ્યાન ધોનીએ ટેસ્ટ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લીધી હતી જેના બાદ કોહલીએ ટેસ્ટ કૅપ્ટન તરીકેની કમાન સંભાળી રાખી છે.

આ પણ વાંચો : ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ગુરૂવારે શરૂ થશે સીરિઝની પહેલી ટેસ્ટ

૨૦૧૮માં કોહલીના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયા ઑસ્ટ્રેલિયામાં પહેલી વાર સિરીઝ જીતી ઇતિહાસ રચવામાં સફળ થઈ હતી. આઇસીસીના ટેસ્ટ મૅચના પ્લેયરોની યાદીમાં કોહલી ૯૨૨ રેટિંગ સાથે ટોચ પર છે.

virat kohli india west indies cricket news sports news