અરૂણ જેટલીના નિધન પર ગંભીર-સહેવાગે કહ્યું આવું

25 August, 2019 09:12 AM IST  |  દિલ્હી

અરૂણ જેટલીના નિધન પર ગંભીર-સહેવાગે કહ્યું આવું

પૂર્વ નાણા પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા અરૂણ જેટલીનું શનિવારે 24 ઓગસ્ટ બપોરે દિલ્હીની એઈમ્સમાં નિધન થયું. પાછલા કેટલાક સમયથી અરૂણ જેટલી બીમાર હતા. ક્રિકેટ પ્રેમી હોવાથી અને દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ એસોસિયેશનમાં એક દાયકા કરતા વધુ સમય સુધી સેવા આપનાર અરૂણ જેટલીના નિધન બાદ ક્રિકેટ જગતના દિગ્ગજોએ દુઃખ વ્યક્ત કરતા ભાવુક ટ્વિટ કર્યા છે.

પૂર્વ ક્રિકેટર અને હાલ ભાજપના સાંસદ ગૌતમ ગંભીર, પૂર્વ દિગ્ગજ ઓપનર વીરેન્દ્ર સેહવાગ, મોહમ્મદ કૈફ, આકાશ ચોપરા, વીવીએસ લક્ષ્મણ અને હર્ષા ભોગલે સહિતના દિગ્ગજોએ અરૂણ જેટલીના નિધન પર ટ્વિટ કર્યું છે. 1952માં દિલ્હીમાં જન્મેલા અરૂણ જેટલીએ 1974માં પોતાની રાજકીય સફર શરૂ કરી હતી. 1999થી 2012 સુધી તેઓ DDCAના અધ્યક્ષ રહ્યા હતા. આ પદ પર સેવા આપવા દરમિયાન તેમણે અનેક ક્રિકેટરોની જિંદગી બદલી નાખી.

પૂર્વ ક્રિકેટર અને હાલના ભાજપના સાંસદ કૌતમ ગંભીરે અરૂણ જેટલીના નિધન પર તેમને શ્રદ્ધાંજલિ આપતા લખ્યું છે,'એક પિતા તમને બોલતા શીખવે છે, પરંતુ પિતા સમાન તમને એ કલા શીખવે છે કે કેવી રીતે બોલવું જોઈએ. એક પિતા તમને ચાલતા શીખવે છે, પરંતુ પિતા સમાન શીખવે છે કે કેવી રીતે ચાલવું જોઈએ. એક પિતા તમને નામ આપે છે, પરંતુ પિતા સમાન વ્યક્તિ ઓળખ આપે છે. મારા પિતા સમાન અરૂણ જેટલી નથી રહ્યા. મામાંથી મારો એક હિસ્સો જતો રહ્યો છે. RIP સર'

તો વીરેન્દ્ર સેહવાગે પૂર્વ નાણાપ્રધાન અરૂણ જેટલીના નિધન પર ટ્વિટ કરીને લખ્યું,'અરૂણ જેટલીજીના જવાનું ખૂબ જ દુઃખ છે. તેમને દિલ્હીના ક્રિકેટરોને ભારતનું પ્રતિનિધિત્વ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી. એક સમય હતો જ્યારે દિલ્હીના ક્રિકેટર્સને ઉચ્ચ સ્તર સુધી પહોંચવાની તક નહોતી મળતી, પરંતુ DDCAમાં લીડરશિપ દરમિયાન તેમને દિલ્હીના ક્રિકેટરને આ તક અપાવી. તેઓ ખેલાડીઓની જરૂરિયાતો સાંભળતા હતા, અને તેનો ઉકેલ પણ લાવતા હતા. અંગત રીતે મારા તેમની સાથે ખૂબ સારા સંબંધો હતા. મારી પ્રાર્થના અને સંવેદના તેમના પરિવાર સાથે છે.'

આ ઉપરાંત પૂર્વ ક્રિકેટર અને હાલ કોમેન્ટેટર આકાશ ચોપરાએ અરૂણ જેટલીના નિધન પર શોક વ્યક્ત કરતા લખ્યું છે,'અરૂણ જેટલીજીના નિધનના સમાચારનું ખૂબ દુઃખ છે. તેઓ ક્રિકેટપ્રેમી હતા. હંમેશા મદદગાર હતા. તેમને અંડર 19માં શાનદાર પર્ફોમ કરનાર બાળકોના નામ પણ યાદ હતા.'

આ પણ જુઓઃશું તમને ખબર છે કેટલું ભણેલા છે આ સ્ટાર ભારતીય ક્રિકેટર્સ?

કમેન્ટેટર હર્ષા ભોગલે, વીવીએસ લક્ષ્મણ અને મોહમ્મદ કૈફ સહિતના ક્રિકેટરોએ પણ જેટલીજીના નિધન પર સંવેદના વ્યક્ત કરી છે.

arun jaitley virender sehwag gautam gambhir national news