રોહિત શર્મા જેવી બનવા માગે છે ઑસ્ટ્રેલિયાના ક્રિકેટરની પત્ની

16 September, 2021 06:54 PM IST  |  Mumbai | Agency

ભારતીય ઓપનરની જેમ ત્રણેય ફૉર્મેટમાં બૅટિંગ કરવા માગે છે ઍલિસા હિલી 

રોહિત શર્મા જેવી બનવા માગે છે ઑસ્ટ્રેલિયાના ક્રિકેટરની પત્ની

ઑસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટર ઍલિસા હિલીના જણાવ્યા પ્રમાણે તે રોહિત શર્માની જેમ રમતનાં ત્રણેય ફૉર્મેટમાં શાનદાર પ્રદર્શન કરવા માગે છે. વિકેટકીપર-બૅટ્સવુમન હિલી ભારત સામે ૨૧ સપ્ટેમ્બરથી શરૂ થનારી સિરીઝની તૈયારીમાં વ્યસ્ત છે. ઑસ્ટ્રેલિયા મહિલા ટીમ ભારત સામે ત્રણ વન-ડે , એક ડે-નાઇટ અને ત્રણ ટી૨૦ મૅચ રમશે. હિલી અત્યાર સુધી માત્ર ચાર ટેસ્ટમાં જ રમી છે. તેણે કહ્યું હતું કે તે પિન્ક બૉલ ટેસ્ટમાં વન-ડેની જેમ જ રમવા માગે છે, જે કેનબેરામાં ૩૦ સપ્ટેમ્બરથી ૪ ઑક્ટોબર સુધી રમાશે. ઍલિસા ઑસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્કની પત્ની છે. 
હિલીએ કહ્યું હતું કે હું ટેસ્ટમાં મારી વન-ડે બૅટિંગની સ્ટાઇલમાં વધારે ફેરફાર નહીં લાવું. આધુનિક ટેસ્ટ ઘણું બદલાઈ ગયું છે. હું રોહિત શર્મા જેવા ખેલાડી પાસેથી પ્રેરણા લઉં છું, જે વિશ્વનો સફેદ બૉલનો સૌથી ખતરનાક ખેલાડી પૈકી એક છે. એમ છતાં તે ટેસ્ટ ક્રિકેટનો પણ એક સફળ ઓપનર છે.’ રોહિતે ઓપનર તરીકે ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. હિલીએ કહ્યું હતું કે એથી જ હું રોહિતની જેમ રમવા માગું છું. તે તમામ ફૉર્મેટમાં જે પ્રમાણે પોતાની કુશળતાથી શાનદાર બૅટિંગ કરે છે તો હું વિચારુ છું કે કઈ રીતે તેમની જેમ પ્રદર્શન કરી શકું. 

australia cricket news sports news sports rohit sharma