પેસ-લેજન્ડ ઝુલન ગોસ્વામીને આજે ફેરવેલ-ગિફ્ટમાં મળશે શ્રેણીવિજય?

21 September, 2022 12:19 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

હરમન, મંધાના અને સાથીઓ ઝુલુ દીને યાદગાર વિદાય આપવા મક્કમ છે : ભારતને ૨૩ વર્ષે ઇંગ્લૅન્ડમાં સિરીઝ જીતવાનો મોકો

ઝુલન ગોસ્વામી

મહિલા વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ ૨૫૩ વિકેટ લેનાર પેસ બોલિંગ લેજન્ડ ઝુલન ગોસ્વામીએ ૨૦૦૨ની ૬ઠ્ઠી જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત ચેન્નઈમાં ઇંગ્લૅન્ડ સામેની વન-ડેમાં વિકેટ લઈને કરી હતી અને યોગાનુયોગ અત્યારે ભારતની ઇંગ્લૅન્ડ સામે વન-ડે સિરીઝ ચાલી રહી છે. ઝુલનની ૨૦ વર્ષની શાનદાર કરીઅરની આ અંતિમ સિરીઝ છે અને કેન્ટબરીમાં આજે (ડે/નાઇટ, સાંજે ૬ વાગ્યાથી) ભારતને બીજી મૅચ જીતીને વન-ડે સિરીઝની ટ્રોફી હાંસલ કરવાનો અને ગયા અઠવાડિયાની ટી૨૦ સિરીઝની ૧-૨ની હારનો બદલો લેવાનો સારો મોકો છે.

નિવૃત્તિ જાહેર કરી ચૂકેલી ૩૯ વર્ષની ઝુલન ગોસ્વામીની આ આખરી શ્રેણી છે. ઓપનર અને વાઇસ-કૅપ્ટન સ્મૃતિ મંધાના બહુ સારા ફૉર્મમાં છે અને તેણે રવિવારે મૅચ પછી કહ્યું હતું કે ‘અમે ઝુલુ દી (ઝુલન ગોસ્વામી)ને શ્રેણીવિજયની ફેરવેલ-ગિફ્ટ આપવા દૃઢનિશ્ચયી છીએ.’ સૌથી વધુ વિકેટનો વર્લ્ડ રેકૉર્ડ ધરાવતી ઝુલનને સાથી-ખેલાડીઓ આ સિરીઝની ટ્રોફી અપાવે એ બહુ જરૂરી છે, કારણ કે આ શ્રેણી પછી ભારતની વિમેન્સ ટીમની નવી વન-ડે શ્રેણી છેક જૂન ૨૦૨૩માં છે.

અંજુમ ચોપડાએ ૧૯૯૯માં અપાવેલી જીત

હરમનપ્રીત કૌર ઍન્ડ કંપની રવિવારે પ્રથમ મૅચ જીતીને ત્રણ મૅચવાળી શ્રેણીમાં ૧-૦થી આગળ છે. આ પહેલાં ભારતીય મહિલાઓ ઇંગ્લૅન્ડમાં છેક ૧૯૯૯માં (૨૩ વર્ષ પહેલાં) વન-ડે સિરીઝ જીતી હતી. ભારતે ૨-૧થી એ શ્રેણી જીતી લીધી હતી અને એમાં સ્ટાર-બૅટર અંજુમ ચોપડાનું એક સેન્ચુરી અને એક હાફ સેન્ચુરીનું યોગદાન હતું. અંજુમનું કરીઅરનું એ ચોથું વર્ષ હતું અને ત્યારની એ સદી તેની સમગ્ર ઇન્ટરનૅશનલ કરીઅરની એકમાત્ર સદી હતી.

આઇપીએલ માટે જીત જરૂરી

કૅપ્ટન હરમનપ્રીતને આશા છે કે ઓપનર શેફાલી વર્મા આજે ઇંગ્લૅન્ડની ઍમી જોન્સની ટીમ સામે ફરી ફૉર્મમાં આવશે અને એને જાળવી રાખશે. મિડલની બૅટર્સ પાસે પણ ટીમને આશા છે. વિકેટકીપર-બૅટર યાસ્તિકા ભાટિયા (૪૭ બૉલમાં ૫૦ રન) રવિવારે સારું રમી હતી અને આજે ફરી વનડાઉનમાં ઉપયોગી ઇનિંગ્સ રમશે એવી ટીમની ધારણા છે. જોકે હર્લીન દેઓલ, દીપ્તિ શર્મા અને સ્નેહ રાણા પાસે પણ ટીમને ઘણી અપેક્ષા છે. જો આ સિરીઝમાં ભારતીય યુવા ખેલાડીઓ ઝળકશે તો આગામી ફેબ્રુઆરી-માર્ચની સૌપ્રથમ વિમેન્સ આઇપીએલ માટેના ઑક્શનમાં તેમને મસમોટા કૉન્ટ્રૅક્ટ-મની મળવાની આશા છે.

10
૧૮ વર્ષની આક્રમક ઓપનર શેફાલી વર્મા છેલ્લી આટલાથી વધુ ઇનિંગ્સમાં એક પણ હાફ સેન્ચુરી નથી કરી શકી.

2
સ્મૃતિ મંધાના મહિલા વન-ડેના રૅન્કિંગ્સમાં ઑસ્ટ્રેલિયાની મેગ લેનિંગને હટાવીને આટલામા નંબરે આવી ગઈ છે. તે હવે બેથ મૂનીના નંબર-વન રૅન્કથી પણ બહુ દૂર નથી.

sports news sports cricket news indian womens cricket team