દિનેશ કાર્તિકની ‘કૅપ્ટન્સ ઇલેવન’ : હાર્દિક બની જશે ‘મૅચ-ફિનિશર’નો ૧૧મો સુકાની

21 June, 2022 10:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કાર્તિકની ઇન્ટરનૅશનલ કરીઅર સપ્ટેમ્બર ૨૦૦૪માં શરૂ થઈ હતી

જાણીતી વેબસાઇટ sportskeedaમાં બતાવવામાં આવેલા કાર્તિકના પહેલા ૧૦ કૅપ્ટન.

આગામી પહેલી જુલાઈએ રોહિત શર્માના સુકાનમાં ભારતીય ટીમ બર્મિંગહૅમમાં ઇંગ્લૅન્ડ સામે ગયા વર્ષે મુલતવી રખાયેલી પાંચમી અને આખરી ટેસ્ટ-મૅચ રમવાનું શરૂ કરશે એ પહેલાં ડબ્લિનમાં હાર્દિક પંડ્યાની કૅપ્ટન્સીમાં ટીમ ઇન્ડિયા આયરલૅન્ડ સામેની બે મૅચની ટી૨૦ સિરીઝ રમી ચૂકી હશે. એ ટી૨૦ શ્રેણી ટ્રોફી જીતવા માટે હાર્દિકનો સૌથી મોટો આધાર વિકેટકીપર-બૅટર દિનેશ કાર્તિક પર રહેશે.

વાત એવી છે કે હાર્દિક પંડ્યાની કૅપ્ટન તરીકે આ પહેલી જ સિરીઝ હશે, પરંતુ કાર્તિક માટે હાર્દિક ૧૧મો સુકાની કહેવાશે. કાર્તિકની ઇન્ટરનૅશનલ કરીઅર સપ્ટેમ્બર ૨૦૦૪માં શરૂ થઈ હતી ત્યારે તે લૉર્ડ્સમાં ઇંગ્લૅન્ડ સામેની વન-ડે રમ્યો હતો. તેણે ત્રણ મહિના પછી ટેસ્ટ કારકિર્દી નવેમ્બર ૨૦૦૪માં વાનખેડેમાં ઑસ્ટ્રેલિયા સામેની મૅચથી શરૂ કરી હતી અને ૨૦૦૬માં તે પહેલી ટી૨૦ જોહનિસબર્ગમાં સાઉથ આફ્રિકા સામે રમ્યો હતો અને ભારતની એ પહેલી જ ટી૨૦માં મૅન ઑફ ધ મૅચ બન્યો હતો.

૩૭ વર્ષનો કાર્તિક ૧૮ વર્ષની લાંબી કારકિર્દીમાં ૨૬ ટેસ્ટ, ૯૪ વન-ડે અને ૩૭ ટી૨૦ રમ્યો છે. તે અત્યાર સુધીમાં જે ૧૦ કૅપ્ટનની કૅપ્ટન્સી હેઠળ રમ્યો છે એમાં સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ, વીરેન્દર સેહવાગ, અનિલ કુંબલે, મહેન્દ્રસિંહ ધોની, વિરાટ કોહલી, સુરેશ રૈના, રોહિત શર્મા, અજિંક્ય રહાણે અને રિષભ પંતનો સમાવેશ છે.

કાર્તિક હવે આયરલૅન્ડમાં હાર્દિક પંડ્યાના સુકાનમાં રમશે. આયરલૅન્ડ સામેની સિરીઝમાં ભુવનેશ્વર કુમાર વાઇસ-કૅપ્ટન છે. એ સિરીઝ ૨૬ જૂને શરૂ થશે.

sports sports news cricket news india dinesh karthik