કિવીઓ સામે બદલો લેવાનું નથી વિચારતો : વિરાટ કોહલી

30 January, 2020 01:13 PM IST  |  Auckland

કિવીઓ સામે બદલો લેવાનું નથી વિચારતો : વિરાટ કોહલી

વિરાટ કોહલી

વિરાટ કોહલીનું કહેવું છે કે આજથી ઈડન પાર્કમાં શરૂ થઈ રહેલી ટી૨૦ સિરીઝ દ્વારા તેઓ વર્લ્ડ કપનો બદલો લેવાનું વિચારી પણ ન શકે. વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં ઇન્ડિયા ન્યુ ઝીલૅન્ડ સામે હારી ગયું હતું. બદલો લેવા વિશે પૂછતાં કોહલીએ કહ્યું હતું કે ‘ના, અમે એવું નથી વિચારી રહ્યા. બદલો લેવાનો વિચાર આવે તો પણ ન્યુ ઝીલૅન્ડના પ્લેયર્સ એટલા સારા છે કે અમે એ ઝોનમાં જઈ પણ નથી શકતા. ગ્રાઉન્ડ પર તમે કામ્પિટિટિવ હોઈ શકો છો. ઇન્ટરનૅશનલ સ્ટેજ પર ટીમને કેવી રીતે આગળ લઈ જવી એનું તેમણે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વર્લ્ડ કપ ફાઇનલમાં તેઓ પહોંચ્યા ત્યારે અમને ખુશી થઈ હતી. તમે જ્યારે હારી જાઓ છો ત્યારે તમારે આગળનું વિચારવું જોઈએ. એટલે બદલા જેવું કાંઈ નથી.’

રિઝલ્ટ પરથી લીડરશિપ નક્કી કરવામાં નથી આવતી : વિરાટ કોહલી

વિરાટ કોહલીનું કહેવું છે કે લીડરશિપનો આધાર રિઝલ્ટ પર નથી હોતો. ભારતીય ટીમ હાલમાં ન્યુ ઝીલૅન્ડની ટૂર પર છે અને આજથી ઈડન પાર્કમાં ટી૨૦ સિરીઝની શરૂઆત થઈ રહી છે. આ વિશે કોહલીએ કહ્યું હતું કે ‘ટીમ માટે હું શું કરી શકું એ મારા માટે મહત્ત્વનું છે તેમ જ ટીમને આગળ કઈ રીતે લઈ જવી એના વિઝન પર હું ફોકસ કરું છું.’

કોહલી કૅપ્ટન બન્યા બાદ ઇન્ડિયા આઇસીસીનું ટાઇટલ નથી જીતી શક્યું અને એને કારણે તે સતત ચર્ચાનો વિષય બન્યો છે. ન્યુ ઝીલૅન્ડની ટીમ પણ હાલમાં ઑસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સિરીઝમાં વાઇટવૉશથી હારી ગઈ હોવાથી કેન વિલિયમસનની કૅપ્ટન્સી પર સવાલ ઊઠી રહ્યા છે. આ વિશે કોહલીએ કહ્યું હતું કે ‘મને નથી લાગતું કે લીડરશિપ રિઝલ્ટના આધારે નક્કી કરવામાં આવતી હોય. લીડરશિપનો મતલબ છે કે તમે કેટલી સારી રીતે તમારી ટીમને આગળ લઈને ચાલી શકો છો અને તેમની પાસેથી કેવું ઉત્તમ કઢાવી શકો છો. મને લાગે છે કે કેન વિલિયમસને એ ખૂબ સારી રીતે કરી દેખાડ્યું છે. તેની ટીમ તેની રિસ્પેક્ટ કરે છે. તેની ટીમ તેના પર વિશ્વાસ કરે છે અને એ હું જોઈ શકું છું. તે ઘણો સ્માર્ટ પ્લેયર છે.’

virat kohli new zealand cricket news sports news t20 international twenty20 international india